Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

શિરડી સાંઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું અધધધ 14.54 કરોડનું દાન

મંદિરને 6 કરોડ રૂપિયાનું દાન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાંડ ડ્રાફ્ટ જેવા ઓનલાઈન માધ્યમના સ્વરૂપમાં મળ્યું

મુંબઈ: સુપ્રસિદ્ધ એવા શિરડી સ્થિત સાંઈબાબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા માત્ર 11 દિવસમાં 14.54 કરોડ રૂપિયા જેટલું માતબર દાન મળ્યું હતું. ક્રિસમસ અગાઉથી શરૂ થયેલા દાનથી માંડીને નવા વર્ષ સુધીમાં આટલી મોટી રકમનું દાન મંદિરને મળ્યું હોવાનું મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.

 ભક્તજનો દ્વારા ગુપ્ત દાન પેટે દાનપેટીમાં પણ દાનની રકમ આપવામાં આવી હતી. જેના અંતર્ગત સાંઈબાબા મંદિર પરિસરમાં આવેલી દાનપેટીમાં જ તા.22 ડિસેમ્બરથી તા. 1 જાન્યુઆરીસુધીમાં 8.05 કરોડ રૂપિયાની રકમ ભક્તજનો દ્વારા દાનમાં આપવામાં આવી હોવાનું શિરડી સાંઈ સંસ્થાન ટ્રસ્ટના વાઇસ ચેરમેન ચંદ્રશેખર કદમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 આ ઉપરાંત શિરડી સાંઈબાબા મંદિરને 6 કરોડ રૂપિયાનું દાન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાંડ ડ્રાફ્ટ જેવા ઓનલાઈન માધ્યમના સ્વરૂપમાં મળ્યું હતું.

આ ઉપરાંત કેટલાક ભક્તજનો દ્વારા સાંઈબાબા મંદિર (શિરડી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ)ને 19 લાખ રૂપિયાના સોના અને ચાંદીનું પણ દાન કરવામાં આવ્યું હતું. સાંઈબાબા મંદિરને જે દાનની રકમ મળી છે તેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, જાપાન અને ચાઇના જેવા 19 દેશોના શ્રદ્ધાળુઓ દ્વારા વિદેશી ચલણના રૂપમાં 30.63 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું.

(12:32 am IST)