Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સરકારની પ્રતિકૂળ નીતિને પગલે

સિંગદાણાની નિકાસ બે મહિનામાં ૩૩ ટકા ઘટી

નવી દિલ્હી તા.૪: કેન્દ્ર સરકાર દ્વારા HPS નિકાસ માટેની જટીલ પ્રક્રિયા અને કડક નિયમોને પગલે ભારતીય સિંગદાણાની નિકાસને ફટકો પડયો છે. HPS  સિંગદાણાની નિકાસ ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ આઠ મહિના દરમ્યાન બે ટકાનો ઘટાડો થયો છે. જો કે સિઝનના પ્રથમ બે મહિના ઓકટોબર-નવેમ્બરમાં નિકાસ ૩૩ ટકા ઘટી છે. આગામી દિવસોમાં નિકાસવેપારો હજી પણ ઓછા થાય એવી ધારણા છે.

એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટ્સ એકસપર્ટ ડેવલપમેન્ટઓથોરિટી ( APEDA- અપેડા) ના આંકડાઓ પ્રમાણે એપ્રિલથી નવેમ્બર ૨૦૧૮ દરમ્યાન જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આ સમયગાળામાં કુલ ૩.૧૦ લાખ ટનની નિકાસ થઇ છે જે આગલાવર્ષે આ સમયગાળામાં ૩.૧૭ લાખ ટન થઇ હતી. આમ નિકાસમાં ગયા વર્ષની તુલનાએ ૨.૨૩ ટકાનો ઘટાડો થયો છે. સિંગદાણાની સિઝન ઓકટોબર મહિનાથી શરૂ થાય છે. અને સિઝનના પ્રથમ બે મહિના ઓકટોબર-નવેમ્બરમાં ચાલુ વર્ષે સિંગદાણાની કુલ નિકાસ ૯૨,૧૪૮ ટનની થઇ છે જે ૨૦૧૭માં બે મહિના દરમિયાન ૧,૩૮,૫૦૫ ટનની થઇ હતી.

આમ સિઝનની શરૂઆતના બે મહિનામાં નિકાસમાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં સિંગદાણાની નિકાસમાં વધુ ઘટાડો થાય એવી સંભાવના પણ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.

સિંગદાણાના નિકાસકારોનંુ કહેવું છે કે ' ભારતની તુલનાએ આફ્રિકન દેશોના સિંગદાણાના ભાવ નીચા હોવાથી ભારતમાંથી નિકાસને અસર પહોંચી છે. સરકાર દ્વારા નિકાસ માટેની આકરી શરતોને કારણે ખર્ચ વધી રહયો છે જેને પગલે પણ નિકાસ મોંઘી પડી રહી છે. પરિણામે સરેરાશ બજારનો ટોન હાલપૂરતો નરમ દેખાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં બજારમાં નરમાઇનો માહોલ જોવા મળી રહ્યો છે.'(૧.૧)

(10:16 am IST)