Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમેરીકામાં સરકારી વહીવટી તંત્ર શટડાઉન થયા બાદ ૧૨મા દિને રાજકીય પક્ષના આગેવાનોને ચર્ચા માટે વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા અને ચર્ચા દરમ્યાન અમેરીકા અને મેકસીકોની સરહદે દિવાલ બાંધવાના ખર્ચ અંગે એકમત ન સધાતા મંત્રણા ભાંગી પડીઃ આવતા શુક્રવારે આ સમગ્ર પ્રશ્ન અંગે રાજકીય નેતાઓ પાછા મળશેઃ ૩જી જાન્યુઆરીએ હાઉસના સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે અને તેનો તાજ ડેમોક્રેટીક પાર્ટીના વરિષ્ઠ નેતા નેન્સી પલોસીના શિરે મુકાશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ગયા વર્ષની ૨૨મી ડીસેમ્બરની મધ્યરાત્રીથી અમેરીકન સરકારના કેટલાક વિભાગો જરૃરી નાણાંની મંજુરીના અભાવે કાર્ય કરતા બંધ થઇ ગયા હતા અને તેથી આ વિભાગોમાં કાર્ય કરતા કેન્દ્ર સરકારના આઠ લાખ કર્મચારીઓ ભારે વિમાસણ અનુભવી રહ્યા છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકા અને દક્ષિણ મેકસીકોની સરહદે ગેરકાયદેસર રીતે લોકોના ટોળા અમેરીકામાં પ્રવેશી રહ્યા હોવાથી તેઓને અટકાવવા દિવાલો ઉભી કરવા જરૃરી નાણાંની માંગણી કોંગ્રેસ પાસે કરતા તે નાણાં મંજુર ન થતા છેવટે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર જરૃરી દબાણ લાવવા ૨૨મી ડીસેમ્બરથી કેટલાક અગત્યના વિભાગો કાર્ય કરતા બંધ થઇ ગયા હતા અને વચગાળાના સમય દરમ્યાન ક્રિસમસના તહેવારની રજા આવતી હોવાથી સરકારના બન્ને ગૃહો હાઉસ અને સેનેટમાં રજા હોવાથી જે પ્રકારની કાર્યવાહી થવી જોઇએ તે પ્રકારની ન થતા આ અહેવાલ લખાઇ રહ્યો છે તે દિવસે આ ગવર્નમેન્ટ શટડાઉનનો ૧૨મો દિવસ થયેલો છે.

કેન્દ્ર સરકારની આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતા તેનો કોઇ જરૃરી ઉકેલ લાવી શકાય તે માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના બનને પાર્ટીના સભ્યોને જરૃરી ચર્ચા વિચારણા કરવા માટે જાન્યુઆરી માસની ૨જી તારીખને બુધવારે વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા હતા અને સીચ્યુએશન રૃમમાં બંધ બારણે યોજવામાં આવેલ મીટીંગ આ સમગ્ર પ્રશ્ન અંગે ચર્ચા થઇ હતી. જેમાં ડેમોક્રેટીક પાર્ટી તરફથી હાઉસે જે નાણાં મંજુર કરેલ છે તે યોગ્ય છે એમ જણાવતા પ્રમુખે તેનો અસ્વીકાર કર્યો હતો અને મેકસીકોની સરહદે જે દિવાલ બાંધવામાં આવનાર છે તેના માટે પ.૬ બીલીયન ડોલર મંજુર કરવા રજુઆત કરી હતી. પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ આ નાણાંની મંજુરી આપવાની ના પાડી હતી. આથી આ સમગ્ર મીટીંગ પડી ભાંગી હતી. અને આવતા શુક્રવારે આ સમગ્ર પ્રશ્નની ચર્ચા માટે ફરી મળવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

આવતીકાલે ગુરૃવાર જાન્યુઆરી માસની ૩જી તારીખે હાઉસનું સંચાલન કરવા માટે સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને હાઉસમાં આગામી બે વર્ષ માટે ડેમોક્રેટીક પાર્ટીના સભ્યોની હકુમત રહેનાર હોવાથી સ્પીકરની પસંદગીનો કળશ ડેમોક્રેટીક પાર્ટીના કેલીફોર્નિયાના હાઉસના સભ્ય નેન્સી પલોસીના શીરે મુકાશે અને તે વિધી પૂર્ણ થયા બાદ સરકારી કામકાજ શરૃ થશે અને સૌ પ્રથમ વખત એક ઠરાવ રજુ કરવામાં આવનાર છે. તેમાં છેલ્લા ૧૨ દિવસથી કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના ખાતામાં શટડાઉન ચાલે છે તે તમામ ખાતાઓ વિના વિલંબે કાર્ય કરતા થઇ જાય તે માટે પ્રમુખશ્રીને વિનંતી કરવામાં આવશે એવું સુમાહિતગાર વર્તુળમાંથી જાણવા મળે છે.

નવા સ્પીકર તરીકે નેન્સી પલોસી સત્તાના સૂત્રો હસ્તગત કરતા પહેલા એનબીસીની રાષ્ટ્રીય ચેનલના ટુડેના શોમાં પ્રસારીત થનાર પોતાના વિચારોમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે બોર્ડર વોલના પ્રશ્ને આપણે આગળ અને પાછળ કેટલી વખત જઇશું. આ અંગેના જરૃરી નાણાં હાઉસે પસાર કરેલા છે અને તેથી આ અંગે વધુ વિચારણા થઇ શકે એમ નથી. ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસની મીટીંગમાં એક સીધો સવાલ પૂછ્યો હતો કે હાઉસે જે નાણાં મંજુર કરેલા છે અને બન્ને પાર્ટીના સભ્યોએ તેને મંજુરીની મહોર પણ મારેલ છે તો પણ બંધ પડેલ સરકારી ખાતાઓને શરૃ કરવામાં શો વાંધો છે? ત્યારે અમેરીકાના પ્રમુખે સરહદોની સલામતી માટે તેમાં દિવાલ બાંધવા માટેના નાણાંનો સમાવેશ થતો નથી. આથી જ્યાં સુધી તે મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી આ અંગ આગળની કાર્યવાહી થઇ શકે એમ નથી એવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

અમેરીકા અને મેકસીકોની સરહદે સલામતી અંગે દિવાલ બાંધવાનો ખર્ચ વધુ પ્રમાણમાં છે અને ચૂંટણીના પ્રચાર વેળા પ્રમુખે આ અંગેનો ખર્ચ મેકસીકો આપશે એવું જણાવ્યું હતું. પરંતુ મેકસીકન સત્તાવાળાઓએ કોઇપણ પ્રકારનો દિવાલ અંગેનો ખર્ચ આપવાની સાફ ના પાડી હતી. આવતા શુક્રવારે યોજાનાર મીટીંગમાં ગવર્નમેન્ટ શટડાઉન અંગે શો નિર્ણય થાય છે તે તરફ સૌ અમેરીકનોનું ધ્યાન કેન્દ્રિત થયેલુ જોવા મળે છે.

ગવર્નમેન્ટ શટડાઉન અંગે તમામ સમાચારો અમારા વાંચક વર્ગ માટે અમો પ્રગટ કરતા રહીશું તેની સૌ વાંચક વર્ગ નોંધ લે.

(6:12 pm IST)