Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

લાલૂ માટે અનેક લોકો તરફથી ભલામણ આવી ચુકી છે : જજ

લાલૂના મામલામાં આજે ચુકાદો જાહેર થાય તેવી સંભાવનાઃ રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટ દ્વારા ફરી એકવાર સજા અંગેનો ચુકાદો ટાળી દેવામાં આવ્યો : કાયદો કાયદાનીરીતે કામ કરશે : જજની સ્પષ્ટ પ્રતિક્રિયા

રાંચી,તા. ૪, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ અને અન્યોને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા અંગેની જાહેરાત આજે ફરી એકવાર ટળી ગઈ હતી. હવે આવતીકાલ ઉપર આ મામલો પહોંચી ગયો છે.  આજે રાંચીની ખાસ અદાલતના જજ શિવપાલસિંહે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાલૂ પ્રસાદના બે લોકોએ તેમને ફોન કર્યા હતા. અલબત્ત આ બંને સમર્થકો હતા કે નેતા હતા તે અંગે જજે જાણકારી આપી નથી. સુનાવણી દરમિયાન રાંચી સીબીઆઈ કોર્ટના જજે લાલૂને કહ્યું હતું કે, તમારા માટે અનેક ભલામણો આવી ચુકી છે. કાયદો કાયદાની રીતે કામ કરશે. આજે ચુકાદો આવનાર હતો પરંતુ છેલ્લા સમય સુધી એથી લઇને કે સુધીના આરોપીઓ પર સજા પર ચર્ચા થઇ હતી. લાલૂનું એલથી શરૂ થતું હોવાથી સજા આવતીકાલે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. લાલૂ યાદવને રાંચી કોર્ટમાંથી સીધીરીતે બિરસામુંડા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. લાલૂ ઉપરાંત આરોપીઓમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર મિસાદ, આરકે રાણા, ધ્રુવ ભગત, આઈએએસ ઓફિસર મહેશ પ્રસાદ, બેક જુલિયસ સહિત ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. ઘાસચારા કૌભાંડમાં તત્કાલિન મુખ્યમંત્રી લાલૂ અને જગન્નાથ મિશ્રા ફસાઈ ગયા હતા. ૨૩મી ડિસેમ્બરે ખાસ અદાલતે દેવઘરની સરકારી તિજોરીમાંથી ૮૪.૫૩ લાખ રૂપિયાની ગેરકાયદેરીતે ઉચાપતના મામલામાં લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લાલૂને પોતાની સાંસદ તરીકેની છાપ ગુમાવવાની ફરજ પડી હતી અને એકરીતે રાજકીય વનવાસનો સામનો કરી રહ્યા છે. જાન્યુઆરી ૧૯૯૬માં આશરે ૯૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે વખતે તત્કાલીન અધિકારી અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યારે એવા દસ્તાવેજ મળ્યા હતા જેનાથી જાણવા મળ્યુ કે વર્ષ ૧૯૯૦માં એવી કંપનીઓને સરકારી ભંડોળથી ચારા પુરવઠાના નામ પર પૈસા જારી કરવામાં આવ્યા હતા. જે કંપનીઓ હતી જ નહી.  માર્ચ ૨૦૧૨માં ઘાસચારા કૌભાંડ સાથે સંબધિત કેસમાં ૪૪ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્રા, જહાનાબાદના તત્કાલિન જેડીયુ સાંસદ જગદીશ શર્મા સહિત ૩૧ની સામે બાંકા અને ભાગલપુર તિજોરીમાં છેતરપિંડીનો મામલો આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૩માં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટે ત્રીજી ઓક્ટોબરના દિવસે ચાઈબાસા તિજોરીમાંથી બનાવટી ઉચાપતના મામલામાં લાલૂ અને જગન્નાથ મિશ્રાને સજા કરી હતી. લાલૂને પાંચ અને જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની જેલની સજા થઇ હતી. લાલૂની લોકસભાની મેમ્બરશીપ ખતમ થઇ ગઇ હતી. તેમના ઉપર ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૧૪માં ઝારખંડ હાઈકોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી સામે ટ્રાયલ પર સ્ટે મુક્યો હતો. ભરચક કોર્ટરુમમાં સીબીઆઈ જજ શિવપાલ સિંહે આ ચુકાદો જાહેર કર્યો હતો. ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવ્યા હતા.

ગઇકાલે બુધવારના દિવસે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ અને અન્યોને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. સજાની જાહેરાત આજે કરવાની હતી પરંતુ એડવોકેટ વિંદેશ્વરી  પ્રસાદનું અવસાન થવાના કારણે સજાની જાહેરાત ગઇકાલ પુરતી ટાળી દેવામાં આવી હતી.

(9:54 pm IST)