Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વિ.હિ .પ.ના ફાયરબ્રાન્ડ નેતા ડો,પ્રવીણ તોગડીયા,ધારાસભ્યં બાબુ જમના સહીત 37 નેતાઓ વિરુદ્ધ બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ :30મીએ હાજર કરવા ફરમાન

1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના નેતા આત્મારામ પટેલ સહીત સિનિયર નેતાઓ ઉપર હુમલો -હત્યાના પ્રયાસનો આરોપ ;આત્મારામ પટેલનું ધોતીયુ કાઢી નાખી માર મારવામાં આવ્યો હતો

અમદાવાદ :વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડો,પ્રવિણ તોગડીયા અને ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત ભાજપના 39 નેતાઓના બિનજામીન પાત્ર ધરપકડના વોરંટ અમદાવાદ કોર્ટે ઈસ્યુ કર્યા છે. કોર્ટે આ તમામ આરોપીની ધરપકડ કરી તેમને 30 જાન્યુઆરીના રોજ કોર્ટ સામે રજુ કરવા પોલીસને તાકીદ કરી છે
  કેસની વિગત મુજબ વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલી ઘટનામાં તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. 21 વર્ષથી આ કેસ કોર્ટ સામે પડી રહ્યો હતો, જે ફરી ચાલવા ઉપર છે.અમદાવાદ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા વોરંટમાં ડૉ. પ્રવિણ તોગડીયા સહિત ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ, ઈલેશ પટેલ, ભાજપના કોર્પોરેટર કુષ્ણવદન  બ્રહ્મભટ્ટ અને એડવોકેટ મિનેશ વાઘેલા જેવા મોટા માથાઓને સમાવેશ થાય છે.
    તા 20મી મે 1996ના રોજ નોંધાયેલા ગુના અનુસાર અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના એક સમારંભ બાદ ભાજપના સિનિયર નેતા આત્મારામ પટેલ સહિત ભાજપના સિનિયર નેતાઓ ઉપર આ આરોપીઓએ હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આત્મારામ પટેલનું ધોતીયુ કાઢી નાખી તેમને માર મારવામાં આવ્યો હતો
  અત્રે ઉલ્લેખનિય છે કે જેમની ઉપર હુમલો થયો તે તમામ નેતાઓ શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને ભાજપમાં બળવો થતાં તેઓ વાઘેલા સાથે મધ્ય પ્રદેશના ખજુરાહો ગયા હતા. જેના કારણે નરેન્દ્રભાઈ  મોદી અને અમિતભાઈ  શાહની ત્યારે નજીક ગણાતા ભાજપના આ જુથે ખજુરાહો ગયેલા નેતાઓને બદલો લેવા માટે તેમની ઉપર હુમલો કર્યો હતો. આ કેસના ફરિયાદી જગરૂપસિંહ રાજપુત છે. આ ગુનાની પહેલી ફરિયાદ નારણપુરા પોલીસમાં નોંધાઈ હતી. બાદમાં તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ કેસમાં અનેક વખત સમન્સ નિકળવા છતાં એક પણ આરોપી હાજર નહીં રહેતા વોરંટ ઈસ્યુ થયા છે.આ કેસ ફરી શરૂ થવા પાછળ રાજકિય કારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.પોલીસે કરેલી ચાર્જશીટમાં હજી ત્રણ આરોપી ફરાર હોવાનું જણાવ્યુ છે જેમાં  ડૉ. એ. કે. પટેલ, નીરવ શાહ અને મંગળદાસ પટેલનો સમાવેશ થાય છે.

(9:21 pm IST)