Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ ૧૫ સૈનિકો ઠાર મરાયા

'એકના બદલામાં દસ...' ભારતીય સૈન્યની જોરદાર કાર્યવાહીઃ ૪ ચોકીઓનો પણ બુકડો : BSFએ ૧ જવાનની શહીદીનો લીધો બદલોઃ પાકિસ્તાનના રેન્જર્સમાં સોપો પડી ગયો

શ્રીનગર તા. ૪ : જમ્મુ - કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં ગઇકાલે થયેલા એક બીએસએફ જવાનનો શહીદ થવાનો બદલો ૨૪ કલાકમાં લઇ લીધો. આજે સાંબા સેકટરમાં બીએસએફે પાક વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી સાથે એલઓસી પાર ૩ પાકિસ્તાની ચોકીઓને પણ ઉડાવી. આ ઘટનામાં પાક રેન્જર્સના ૧૫ સૈનિકો ઠાર મરાયા હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન સામે બીએસએફએ આ સૌથી મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાની છાવણીમાં સોપો પડી ગયો છે.

જમ્મુ - કાશ્મીરના સાંબા સેકટરમાં ગઇકાલે પાકે. સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બીએસએફના જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સરહદ પારથી સતત ફાયરીંગ કરી રહ્યું છે. ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

બીએસએફના એક પ્રવકતાએ જણાવ્યું કે, બીએસએફ જવાનોએ ગઇકાલે ૩ પાકિસ્તાની મોર્ટારની સ્થિતિની જાણકારી મેળવી નિશાન લગાવી ધ્વંસ કરવામાં આવી.

બીજી બાજુ જમ્મુ - કાશ્મીરના આરએસપુરા સેકટરમાં બીએસએફની મોટી સફળતા મળી છે. બીએસએફે એક ઘુસણખોરને ઠાર કર્યો છે. આ વિસ્તારમાં બીએસએફ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

બીએસએફ જવાનોએ આજે વહેલી સવારે અરનિયા સેકટરમાં નિકોવાલ સરહદ ચોકીની નજીક એલઓસી પાર શંકાસ્પદ વ્યકિત દેખાયા અને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે વહેલી સવારે આરએસ પુરા સેકટરના અરનિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી હલચલ દેખાઈ હતી. પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આગળ જ વધતો રહ્યો હતો. આ વચ્ચે જ બીએસએફ જવાનાઓ ફાયરિંગ કર્યું, જેમાં તે માર્યો ગયો હતો. જોકે, સ્મોગને પગલે આતંકીનો મૃતદેહ હજી બરામદ થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે, ઘૂસણખોરી કરનારા આતંકીઓની સંખ્યા ૪-૫ જેટલી હીત, પંરતુ બાકીના ભાગી ગયા હોય તેવું લાગ્યું હતું. જે દરમિયાન એક માર્યો ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બુધવારે એલઓસી તથા આઈબી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ તથા રહેવાસી વિસ્તારોને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન સાંબા જિલ્લામાં આઈબી પર પાકિસ્તાનના સ્નાઈપર શોટથી એક બીએસએફ જવાન શહીદ થયો હતો. ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનની બે ચોકીઓને ધ્વસ્ત કરી હતી.

(3:00 pm IST)