Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હું નથી ધનિક કે નથી પ્રસિદ્ધઃ કોમનમેન છું

અનિલ અંબાણીએ દાયકા બાદ આપ્યો ઈન્ટરવ્યું: અમે હંમેશા આપત્તિને અવસર તરીકે જોઈએ છીએ, પિતાએ આ શિખામણ આપી છે

નવી દિલ્હી, તા. ૪ :. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વીતેલા વર્ષમાં મજબુત ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવ્યા હતા, જેમાં તેઓ ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની માલિકી બચાવી શકયા, પણ વાયરલેસ બિઝનેસ વેચવો પડયો. એક દાયકામાં પ્રથમવાર આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષોની માનહાનિ બાદ ૨૦૧૭ના અંતમાં આવેલા ૨જી કેસ ચુકાદાથી રાહત મળી. આ મુલાકાતમાં તેમણે પોતાના સાચા મિત્ર કોણ છે ? તે અંગે પણ ખુલાસો કર્યો હતો.

'ગણ્યાગાંઠયા લોકો મારી સાથે ઉભા રહ્યા હતા. મુશ્કેલીના સમયે લોકો તમારા ફોનનો જવાબ ન આપે. તમારી સાથે વાત ન કરે અને જોડે ઉભા રહેવાનું પસંદ ન કરે. આવા સમયે તમને અનુભૂતિ થાય કે તમારી સાથે કોણ છે અને કોણ ખોટા બહાના કરે છે.'

આરકોમના યુનિટ રિલાયન્સ ટેલીકોમ, તેના ત્રણ એકઝીકયુટીવ્સ સહિતના તમામ આરોપીઓને મુકત કરતા ૨જી ચુકાદા અંગે તેમણે જણાવ્યુ હતુ કે, સત્ય સર્વોપરી છે. તમારે ધનિક અને પ્રસિદ્ધ હોવાની કિંમત ચૂકવવી પડી છે ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યુ કે, 'હું નથી ધનિક કે નથી પ્રસિદ્ધ, હું માત્ર સામાન્ય માણસ છું.'

ઉલ્લેખનીય છે કે ફોર્બ્સ ઈન્ડીયા ૨૦૧૭ની યાદીમાં અનિલ અંબાણી ૪૫માં ક્રમે હતા, જ્યારે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી પ્રથમ ક્રમે હતા. ભારતી એરટેલ અને વોડાફોન ઈન્ડીયા દ્વારા એકવીઝિશન અને એરસેલ સાથે મર્જરમાં નિષ્ફળતા બાદ વાયરલેસ બિઝનેસ બંધ કરવાનો તેમને કોઈ અફસોસ નથી. તેમણે જણાવ્યુ કે, 'અમે આપત્તિને અવસર તરીકે જોઈએ છીએ. મારા પિતા મને આ શીખ આપી છે. ૧ નવેમ્બરે અમે સમગ્ર મોનેટાઈઝેશન પ્રોગ્રામ અમલી કર્યો. અમે મોબિલીટી બિઝનેસ વેચી દેવાનો નિર્ણય કર્યો કારણ કે તે ખૂબ ખર્ચાળ હતો. અમારો અંદાજ છે કે આ સેકટરને ટેકનોલોજી અને ગ્રાહકની બદલાતી માગ સાથે તાલ મિલાવવા આગામી પાંચ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરની જરૂર પડશે.' ચુકાદા બાદ સરકાર કે વ્યકિતઓ સામે નુકસાનીનો દાવો કરવાનું વિચારો છો એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે, આ તબક્કે કંઈ પણ કહેવું વહેલુ ગણાશે. અલગ અલગ લોકો પોતાના વિકલ્પો પર વિચારશે. ટેલીકોમ કંપનીઓ સ્પેકટ્રમ રદ થવાથી થયેલા નુકસાન અંગે ગણતરી માંડશે. વ્યકિતઓ તેમની રીતે વિચારશે. હું કોઈપણ શકયતા નકારી શકું તેમ નથી. ટેલીકોમ ક્ષેત્રની કપરી સ્થિતિ અંગે આરકોમને કયારે અહેસાસ થયો તેવા પ્રશ્નના જવાબમાં અનિલ અંબાણીએ જણાવ્યું કે, ૨૦૧૫-૧૬માં ટેલીકોમ માર્કેટ કોન્સોલિડેશનમાં હતું. સ્પર્ધા ઘટવા માંડી હતી અને મજબુત કંપની વધુ મજબુત અને નબળી કંપની વધુ નબળી પડતી હતી. એ સમયે આરકોમ પાસે બે વિકલ્પ હતા. કોન્સોલિડેશન કે કોન્સોલિડેટર. અમે કંપની વેચવા ભારતી, વોડાફોન અને ટાટા સાથે મંત્રણા કરી.

(11:26 am IST)