Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મુંબઇઃ મરોલ વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગમાં આગથી એક જ પરિવારના ૪ લોકોના મોત, ૭ ઘાયલ

મુંબઈ તા. ૪ : મુંબઈમાં ગત સપ્તાહે થયેલી પબ દુર્ઘટનાને લોકો હજી ભૂલ્યા નથી ત્યાં વધુ એક ઇમારતમાં આગ લાગવાથી ૪ લોકોના મોત થઈ ગયા છે. બુધવારે મોડી રાતે મુંબઈના મરોલ વિસ્તારમાં આવેલી એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાથી ચાર લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ મુંબઈના મરોલ વિસ્તારની મૈમૂલ મંજિલ નામની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટના મોડી રાતે ૧.૩૦ કલાકે બની હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી જઈને તેના પર કાબુ મેળવી લીધો હતો. હાલ ઇમારતમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યા છે.

તમામ ઘાયલોને કુપર અને મુકુંદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ ઇમારતની અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમ પાડતા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, જો ફાયરબ્રિગેડ ટીમ સમયસર પહોંચી ગઈ હોત તો આટલી મોટલી દુર્ઘટના સર્જાઇ શકી નહોત.

ફાયરબ્રિગેડના કહેવા મુજબ મોડી રાતે ૧.૩૦ કલાકે બિલ્ડિંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. આ સમયે ત્યાં ૪ લોકો હતા, જયારે તેની ઉપરના ફ્લોર પર ૭ લોકો હતો. ઘટના બાદ ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી માત્ર ૩૦ મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ત્રીજા ફ્લોર પર રહેતા એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે, જયારે તેની ઉપરના ફ્લોર પર ગૂંગળામણથી ૭ લોકો બેભાન થયા હતા. જેમની મુકુંદ અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં તસનીમ કાપસી(૪૫), સકીના કાપસી (૧૫), મોઇઝ કાપસી (૮) અને મોમીન કાપસી(૭૦)નો સમાવેશ થાય છે.

(11:16 am IST)