Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઠંડીથી થરથર કાંપતુ અમેરિકાઃ બરફના તોફાનની ચેતવણી

અમેરિકામાં ગાત્રો થિજાવતી ઠંડીથી ૧૧ના મોતઃ આવતા ર૪ થી ૪૮ કલાક કટોકટીભર્યાઃ અનેક રાજયોમાં ઇમરજન્સી જાહેરઃ અમેરિકાના કેટલાક હિસ્સામાં મંગળ કરતા વધુ ઠંડી પડવાની શકયતાઃ તળાવો-ડેમ-ફાઉન્ટેન બરફમાં તબદીલઃ લોકોને ઘરમાં જ રહેવા તાકીદ

વોશીંગ્ટન તા.૪ : અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને હિમવર્ષાથી ૧૧ લોકોના મોત થયા છે. આવતા દિવસોમાં હજુ ખરાબ સ્થિતિ ઉભી થશે. બરફના તોફાનની ચેતવણી આપવામાં આવી છે. એક નિષ્ણાંતે જણાવ્યુ છે કે ઇસ્ટ કોસ્ટના કેટલાક વિસ્તારોમાં મંગળ ગ્રહથી પણ વધુ ઠંડી પડી શકે છે. કેટલાક રાજયોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

 

જયોર્જીયા અને કેલીફોર્નીયાના કેટલાક વિસ્તારોમાં ઠંડી અને હિમપાત વધુ છે અનેક જગ્યાએ તળાવો અને ફાઉન્ટેન બરફમાં ફેરવાઇ ગયા છે. નેશનલ વેધર સર્વિસના કહેવા મુજબ આવતા ર૪ થી ૪૮ કલાકમાં સ્થિતિ વધુ બગડી શકે છે. અહી બોંબ સાઇકલોનની વોર્નીંગ આપવામાં આવી છે એટલે કે ખતરનાક બરફનું તોફાન અમેરિકામાં આવશે. સીએનએનના કહેવા મુજબ આ દરમિયાન ન્યુ ઇગ્લેન્ડ સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ૬ થી ૧ર ઇંચ બરફ પડશે. ૬૪ થી ૯૬ કિ.મી.ની ઝડપે બર્ફીલા પવનો ફુંકાશે.

ફોરકાસ્ટ મુજબ અમેરિકાના સાઉથ અને નોર્થ ઇસ્ટમાં રસ્તાથી સફર કરવાનુ મુશ્કેલ બનશે. લોકોને રસ્તાનો ઉપયોગ નહી કરવા જણાવાયુ છે. જયોર્જીયામાં કટોકટી જાહેર કરાઇ છે. ન્યુ હેમ્પસાયરના માઉન્ટ વોશીંગ્ટન ઓર્બ્જવેટરીના વૈજ્ઞાનિક ટેલર રીગનના કહેવા મુજબ થોડા દિવસ પહેલા મંગળનું તાપમાન માઇનસ બે ડીગ્રી નોંધાયુ હતુ. આ સપ્તાહના અંતમાં નોર્થ ઇસ્ટ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તાપમાન આનાથી ઓછુ થઇ શકે છે એટલે કે મંગળથી પણ વધુ ઠંડી પડશે. આ વિસ્તારોમાં તાપમાન માઇનસ ૩પ ડીગ્રીથી ઓછુ પણ થઇ શકે છે.

બરફના તોફાનને કારણે આજે ર૭૦૦ ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. વિસકોનીશનમાં પ, ટેકસાસમાં ૪, નોર્થ ડકોટા અને મિસોરીમાં બે વ્યકિતના ઠંડીના કારણે મોત થયા છે. લોકો માટે સુચન જાહેર થયુ છેે કે તેઓ ઘરમાં જ રહે અને ઇમરજન્સી લાઇટ તથા બીજી વસ્તુઓ હાથવગી રાખે. દર્દીઓ અને નાના બાળકોને ઘરમાં જ રહેવા જણાવાયુ છે. ફલોરીડાનો વોટર પાર્ક જામી ગયો છે.

(9:58 am IST)