Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કાલથી ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રારંભ

મોદી હાજર નહિ રહેઃ વિડીયો કોન્ફરન્સીંગ થકી કદાચ સંબોધન કરશેઃ રૂપાણી-પટેલ દ્વારા સમીટનું ઉદ્દઘાટનઃ ૩ર દેશોના ૧૦,૦૦૦ ઉદ્યોગ પાટીદારો હાજર રહેશેઃ ત્રણ દિવસમાં ૩ લાખ લોકો હાજરી આપશેઃ પ્રદર્શનમાં પ૦૦ જેટલા સ્ટોલઃ ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશેઃ એમઓયુ પણ કરશે

નવી દિલ્હી તા.૪ : ગાંધીનગરમાં આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસ માટેના ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટમાં હાજર નહી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હોવાનુ જાણવા મળે છે. વડાપ્રધાનને આ ઇવેન્ટનું ઉદ્દઘાટન કરવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે આવતીકાલે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કરશે.

 

આ સમીટનું આયોજન સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના નેતૃત્વ હેઠળ પાટીદાર સમુદાયે કર્યુ છે. એવી આશા રાખવામાં આવે છે કે ૩ર જેટલા દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ આ ઇવેન્ટમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં રોજ ૩ લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. એકઝીબીશનમાં પ૦૦ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે.

 

આ ઇવેન્ટને પાટીદાર સમુદાયને મજબુત કરવાના ભાગરૂપે પણ જોવામાં આવી રહી છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતમાં અઢી વર્ષથી પાટીદારો અનામતની માંગણીસર આંદોલન કરી રહ્યા છે. આ ઇવેન્ટમાં અનેક રાજકીય, બીઝનેસ અને મોટા ગજાના નેતાઓ-ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે. જેમાં સુઝલોનના ફાઉન્ડર તુલસી તંતી, જાયડસ કેડીલાના સીએમડી અને ચેરમેન પંકજ પટેલ, અમેરિકા સ્થિત બીઝનેસમેન કિરણ પટેલ, ડો.વિઠ્ઠલ ધડુક, બાલાજી વેફર્સના ફાઉન્ડર અને ડાયરેકટર ચંદુભાઇ વિરાણી, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા, ગણપત યુનિ.ના ગણપત પટેલ વગેરે હાજર રહેશે. જાણીતા લેખકો ચેતન ભગત, શિવ ખીરા પણ ઉપસ્થિત રહી સેમીનારમાં સંબોધન કરશે. આમાંથી અનેક લોકો બીઝનેસ અને પાટનરશીપ અંગે પ્રવચન પણ કરશે.

એવુ કહેવાય છે કે પીએમ મોદી કદાચ વિડીયો કોન્ફરન્સીંગ થકી ઇવેન્ટને સંબોધન કરશે. જો કે સરદારધામના સીઇઓ ટી.જી.ઝાલાવડીયાએ કહ્યુ છે કે, અમને વડાપ્રધાનની મુલાકાત કે સંબોધન અંગેનુ કોઇ કન્ફોર્મેશન મળ્યુ નથી. આ સમીટનો હેતુ સમુદાયમાં ગ્લોબલ બીઝનેસ ભાગીદારી ઉભી થાય તે માટેનો છે. પાટીદાર યુવકોને રોજગારી મળે, નવા ઉદ્યોગો શરૂ કરવા પ્રેરણા મળે તેવા પ્રયાસ થશે. તેમણે કહ્યુ હતુ કે, યુપીએસસી, જીપીએસસી અને અન્ય પરીક્ષાઓ ઉપરાંત લો અને ફાઇનાન્સ વિભાગ માટે વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવા અને તેમનુ કૌશલ્ય વધારવા ૯ જેટલા ટ્રસ્ટો સાથે એમઓયુ થશે. જેમાં ઉમિયા કેરીયર ડેવલપમેન્ટ ટ્રસ્ટ-મહેસાણા, કડવા પાટીદાર સમાજ-ગાંધીનગર, ઉમિયાધામ-સોલા, કેળવણી નિકોલ અને ઉંઝા કેળવણી મંદિરનો સમાવેશ થાય છે. સરદારધામ આ વિદ્યાર્થીઓનો પ૦ ટકા ખર્ચ ઉપાડશે અને બાકીનો ખર્ચ આ ટ્રસ્ટો ઉપાડશે. ૭મી જાન્યુઆરીના રોજ ૧પ૦૦૦ ગામોમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઇવેન્ટમાં ભાગ લેશે. કૃષિ સંલગ્ન બાબતો અંગેના સેમીનાર પણ યોજાશે.

સરદારધામના પ્રેસીડેન્ટ ગાબજી સુતરીયાએ કહ્યુ છે કે ઉદ્યોગપતિઓ એમએસએમઇ અને એસએમઇ અંગે એમઓયુ પણ કરશે. પાટીદાર ઉદ્યોગરત્ન એવોર્ડ પણ આ સમીટ દરમિયાન અપાશે.

(4:53 pm IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST