Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગુજરાતમાં ૨૦૧૭માં ઇન્કમટેકસ ખાતાના ૧૩૯ સર્વે

કરોડો રૂપિયાની કરચોરી શોધી

નવી દિલ્હી તા. ૪ : ગુજરાત આયકર વિભાગની ટીમે વર્ષ ૨૦૧૭  દરમિયાન ૧૩૯ સર્વે કરીને કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી હતી. સાથે સાથે કરોડો રૂપિયા રિકવર પણ કર્યા હતા. વર્ષ દરમિયાન કૂલ ૯૮ પ્રોસિકયુશનની કામગીરી કરાઇ છે અને ૩૫ બોગસ કંપનીઓની નોંધણી રદ કરી દેવાઈ છે. આયકર વિભાગના અધિકારીઓ બે મહિના સુધી ઇલેકશનની કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા. જેને કારણે હવે આ અધિકારીઓએ આગામી ત્રણ મહિનામાં વધુમાં વધુ કર એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે.

ગુજરાત ઇનકમ ટેકસ પ્રિન્સિપલ ચીફ કમિશનર એ.કે.જયસ્વાલે દિલ્હીથી સોંપાયેલા ૪૬,૮૩૮ કરોડના ટાર્ગેટ સામે ૩૧,૮૧૮ કરોડનો ટાર્ગેટ વર્ષના અંત સુધીમાં પુરી કરી દીધો છે. હવે વર્ષ દરમિયાન આયકર વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાત આયકર વિભાગને ડિસેમ્બર-૨૦૧૭ સુધી કૂલ ૧૩૯ સર્વેની કામગરીરી કરી હતી. જેમાં ૩૮ રેગ્યુલર સર્વે કરવામાં આવ્યા છે. જે સર્વેમાં કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢવામાં આવી છે. આ ઉપરાંત એવા એકમો- સંસ્થાઓ કે કંપનીઓ કે જેઓ કર્મચારીઓના TDS કાપીને સરકારી તિજોરીમાં જમા ન કરાવતા હોય તેવા એકમો પર ૬૨ સર્વે કરીને કરોડો રૂપિયાની વસૂલાત કરી હતી. સાથે સાથે આવા ડિફોલ્ટરો સામે આકરી કાર્યવાહી માટેની કવાયત પણ શરૂ કરવામાં આવી છે. જયારે ૩૯ રિકવરી સર્વે કરીને અધિકારીઓએ કરોડો રૂપિયાની રિકવરી પણ કરી હતી. જોકે આ સર્વેની તપાસમાં ઘણી વિગતો બહાર આવતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૭માં દેશમાંથી લાખો બોગસ કંપનીઓ શોધીને તેની નોંધણી રદ કરવાની કામગીરી કરાઇ હતી. જેમાં આયકર વિભાગે ગુજરાતની ૩૫ બોગસ કંપનીઓની નોંધણી રદ કરી દેવામાં આવી છે. જોકે દિલ્હીથી ગુજરાતની હજારો કંપનીઓની નોંધણી રદ કરી દેવામાં આવી છે.(૨૧.૬)

એડવાન્સ ટેકસ જમા કરાવવા માટેનું દબાણ

હવે આયકર વિભાગે ટાર્ગેટ પૂરો કરવા માટે કોર્પોરેટ સેકટર અને મોટ કરદાતો પાસેથી એડવાન્સ ટેકસ જમા કરાવવા માટેનું દબાણ શરૂ કરી દીધું છે. આટલું જ નહિ જે કરદાતાઓ કરચોરી કરી રહ્યા છે. તેમની સામે પણ સ્ક્રૂટીની અને એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત TDS કમિનરની ટીમે વધુમાં વધુ TDS સરકારી તિજોરીમાં જમા થાય તેના માટેની કવાયત શરૂ કરી દીધી છે.

(9:42 am IST)