Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

’ભારત જોડો યાત્રા’’ ના કારણે સંસદના શિયાળુ સત્ર માં રાહુલ ગાંધી તથા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ ભાગ ન લે તેવી શક્યતા

બુધવારથી શરૂ થતાં સત્રમાં જોડવાના બદલે યાત્રા ચાલુ રખાશે

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના કેટલાક નેતાઓ આ વખતે સંસદના શિયાળુ સત્રમાંથી બહાર રહે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નેતાઓ ભારત જોડો યાત્રામાં તેમની ભાગીદારી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી નેતૃત્વ ભારત જોડો યાત્રાથી ધ્યાન હટાવવા માંગતું નથી અને તેથી જ નિર્ણય લેવામાં આવ્યો છે કે વરિષ્ઠ નેતાઓ શિયાળુ સત્ર છોડીને યાત્રા ચાલુ રાખશે. સંસદનું શિયાળુ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે અને તે જૂના સંસદ ભવનમાં જ ચાલશે. ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્રની શરૂઆત એક મહિનો મોડી થઈ છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીની આજે સાંજે 4 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા (LOP) અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરશે. મલ્લિકાર્જુન ખડગે, જેઓ હવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમણે પાર્ટીની વન-મેન-વન-પોસ્ટ નીતિને ધ્યાનમાં રાખીને ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે LoPના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની એક વ્યક્તિ એક પદની નીતિના મામલે ખડગે અપવાદ બની શકે છે. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકેની તેમની ભૂમિકા પણ ચાલુ રાખી શકે છે. સોનિયા ગાંધી પાર્ટીના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આજે આ મામલે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો કે રાજ્યસભામાં વિપક્ષના નેતા માટે કોંગ્રેસ માટે પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ પણ વિકલ્પ બની શકે છે.

(8:00 pm IST)