Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રશિયા પરમાણુ હુમલો કરાવાની તૈયારીમાં હોવાનો યુક્રેનનો દાવો

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ૧૦ મહિનાથી યુદ્ધ જારી : પરમાણુ હુમલા માટે ઉપયોગમાં લેવાતી ભૂતપૂર્વ સોવિયેત મિસાઇલો યુદ્ધના મેદાનમાં મળી આવી છે : યુક્રેન

નવી દિલ્હી, તા.૩ : ંછેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો વધી ગયો છે. યુક્રેનની સેનાનો દાવો છે કે, રશિયા હવે પરમાણુ મિસાઈલનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો પરમાણુ હુમલો થશે. તો થોડા કલાકોમાં લાખો લોકો માર્યા જશે. યુક્રેનિયન સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, પરમાણુ હુમલા માટે ઉપયોગમાં લેવાતી ભૂતપૂર્વ સોવિયેત મિસાઇલો યુદ્ધના મેદાનમાં મળી આવી છે. આ નિષ્ણાતોએ મીડિયાને આ મિસાઈલોના ટુકડા પણ બતાવ્યા હતા. રશિયાએ હજુ સુધી યુક્રેનના દાવાને સમર્થન આપ્યું નથી. પરંતુ, યુરોપિયન દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. યુક્રેને ગુરુવારે દાવો કર્યો હતો કે, રશિયાએ પરમાણુ સક્ષમ મિસાઈલોથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના સૈન્ય અધિકારી માયકોલા ડેનિલ્યુકે પત્રકારોને જણાવ્યું હતું કે, રશિયાએ લવિવિ અને ખ્મેલનિત્સ્કી વિસ્તારમાં પરમાણુ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. તેણે એક્સ-૫૫ ક્રૂઝ મિસાઈલના પાર્ટ્સ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે, આ હુમલા દેશની એર ડિફેન્સ સિસ્ટમને ખતમ કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મિસાઇલોના ટુકડાઓમાં રેડિયોએક્ટિવિટીના પરીક્ષણમાં અસામાન્ય સ્તર જોવા મળ્યું નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બંને પક્ષો છેલ્લા કેટલાય મહિનાઓથી ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. યુક્રેનને અમેરિકા અને તુર્કી તરફથી અત્યંત ઘાતક કહેવાતા ડ્રોન વિમાન મળ્યા છે. આ ડ્રોન વિમાનોએ રશિયાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ પછી રશિયાએ પણ જોરદાર જવાબ આપવા માટે ઈરાનની મદદ લીધી છે. ઈરાની ડ્રોનની મદદથી રશિયાએ હવે યુક્રેન સામે અસરકારક રીતે આગળ વધ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, જો રશિયા પરમાણુ હુમલો કરશે. તો, માત્ર પાંચ કલાકમાં યુક્રેનના ૩૪ મિલિયન લોકો માર્યા જવાનો અંદાજ છે.

 

 

(7:02 pm IST)