Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ચીનથી આયાત થતા પંખા, સ્માર્ટ મીટરોની ગુણવત્તા ચકાસણી થશે

ગુણવત્તા નિયંત્રણને લઈ નવા આદેશ જારી થઈ શકે છે : ભારતમાં આયાત થતાં સ્માર્ટ મીટર, પંખા સહિતના ઉત્પાદનો પર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાવવાની વિચારણા

નવી દિલ્હી, તા.૩ : ચીનથી આયાત થતી કેટલીક ચીજવસ્તુઓને ધ્યાને રાખી વાણિજ્ય મંત્રાલય ટૂંક સમયમાં ચીન સહિતના દેશોમાંથી આવતી કેટલીક ચીજવસ્તુઓ પર ગુણવત્તા નિયંત્રણને લઈ નવા આદેશ જારી થઈ શકે છે. વિદેશમાંથી આયાત થતાં ઈલેક્ટ્રિક પંખા અને સ્માર્ટ મીટરોની ગુણવત્તાની ચકાસણીને ધ્યાને રાખી આ આદેશ જારી થઈ શકે છે. આ આદેશનો મુખ્ય હેતુ ચીનથી આયાત થતા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી કરવાનો છે.

એક અધિકારીને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, અમે ભારતમાં આયાત થતાં સ્માર્ટ મીટર અને સિલિંગ પંખા સહિતના મોટા પ્રમાણના ઉત્પાદનો પર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) લાવવાનો વિચાર કરી રહ્યા છે. આ નિર્ણયથી આપણા ઉદ્યોગો અને ગ્રાહકોને પણ લાભ થશે.

નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ભારતમાં સીલિંગ પંખાની આયાત ૧૩૨ ટકા વધીને લગભગ ૬૨.૨ લાખ ડૉલર પર પહોંચી હતી, જેમાંથી ચીનમાંથી  ૫૦.૯ લાખ ડૉલરની કિંમતના પંખા આયાત કરાયા હતા. વર્ષ ૨૦૨૨માં ઈલેક્ટ્રીક મીટરની આયાત વધીને ૩૦.૧ લાખ ડોલર થઈ હતી, જેમાંથી ૧૦.૩ લાખ ડૉલરની કિંમતના ઈલેક્ટ્રીક મીટર ચીનથી આયાત કરાયા હતા.

વર્ષ ૨૦૨૦માં ભારતે રમકડાંની પ્રોડક્ટ માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જારી કર્યો હતો, ત્યાર બાદ ગત વર્ષોમાં રમકડાંની આયાત ૭૦ ટકા નીચે આવી ગઈ હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ૩૭૧ મિલિયન ડૉલર કિંમતની રમકડાંની આયાત, જ્યારે ૨૦૨૦માં ૧૧૦ મિલિયન ડૉલર કિંમતની રમકડાંની આયાત થઈ હતી. આ સમયગાળામાં ચીનથી રમકડાંની આયાત ૮૦ ટકા ઘટી ૫૦.૯ લાખ ડૉલર નીચે આવી ગઈ હતી.

ચીન સાથે ઝડપથી ઘટતી વેપારી ખાધ ભારત માટે ચિંતાનો વિષય છે, ત્યારે ભારત તેના ઉત્તરી પાડોશી સાથે બિન-આવશ્યક આયાત ઘટાડવાનો પ્રયાસો કરી રહ્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૩ના એપ્રિલ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારત દ્વારા ચીનમાં કરાતી નિકાસમાં ૩૬.૨ ટકા (૭૮૦ કરોડ ડૉલર)નો ઘટાડો થયો હતો, ચીનથી આયાતમાં ૨૩.૬ ટકા (૫૩૦ કરોડ ડૉલર)નો વધારો થયો હતો. એક અધિકારીને મીડિયાને જણાવ્યું કે, જ્યાં પણ ઉત્પાદનોની મેન્યુઅલ, નિયમોની માનક હેઠળની પ્રક્રિયા અને પરીક્ષણ માટે લેબ ઉપલબ્ધ છે, ત્યાં અમે ક્યૂસીઓ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક મોટું અને લાંબુ કામ છે, જે અમે કરી રહ્યા છીએ. જોકે અધિકારીએ કહ્યું કે, સ્થાનિક ઉદ્યોગો હંમેશા ક્વોલિટી કંટ્રોલનું સમર્થન કરતા નથી.

(7:01 pm IST)