Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ફક્‍ત ૫ પૈસામાં મળશે ૩૫ અલગ અલગ વ્‍યંજનોવાળી અનલિમિટેડ થાળી

અનોખી ઓફરઃ આંધ્રપ્રદેશના વિજયવાડાની એક રેસ્‍ટોરન્‍ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે

વિજયવાડા, તા.૩: આંધ્રપ્રદેશના વિજયવાડાની એક રેસ્‍ટોરન્‍ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રેસ્‍ટોરન્‍ટના માલિકે એવી એવી ઓફર કાઢી છે, જેને સાંભળતા જ લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. હકીકતમાં વિજયવાડાની એક રેસ્‍ટોરન્‍ટના ગ્રાહકો માટે ૩૫ અલગ અલગ વ્‍યંજનોવાળી અનલિમિટેડ થાળીની ઓફર રાખી છે. અહીં ખાવા માટે ફક્‍ત ૫ પૈસા આપવા પડે છે.

રેસ્‍ટોરન્‍ટના માલિકનું કહેવું છે કે, અમે રેસ્‍ટોરન્‍ટ ૨ મહિના પહેલા શરુ કરી હતી. આ ઓફરને પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. અમને આટલી ભીડ થશે તેવો વિશ્વાસ નહોતો. તે શરુમાં ૫૦ લોકો માટે મફત હતી અને બાદમાં ૫૦ ટકાની છૂટ આપવામાં આવી હતી.

રેસ્‍ટોરન્‍ટના માલિકનું કહેવું છે કે, અનલિમિટેડ થાળીની ઓફર પ્રમોશન માટે ઉપયોગ કરી હતી. રેસ્‍ટોરન્‍ટનું પ્રમોશન અમે ૫ પૈસાની ઓફરથી શરુ કરી હતી. અમે પહેલી ૫૦ થાળી માટે મફતમાં ૫ પૈસાની બદલામાં વેચી છે. બાદમાં અમે ૫૦૦થી વધારે ગ્રાહકોને ૫૦ ટકા છૂટ પર થાળી પિરસી હતી. તેમણે કહ્યું કે, અનલિમિટેડ થાળીમાં ૩૫ અલગ અલગ વ્‍યંજન પિરસવામાં આવ્‍યા હતા, જેમાં ગુજરાતી, રાજસ્‍થાની અને ઉત્તર ભારતની ડિશ સામેલ છે.

રેસ્‍ટોરન્‍ટના બીજા ઓનરનું કહેવું છે કે, આ ઓફર દ્વારા અમે ગ્રાહકોને રાજસ્‍થાની, ગુજરાતી અને ઉત્તર ભારતના વ્‍યંજનો પિરસી શકીએ. અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માગતા હતા. પહેલા અમે ૫ પૈસાની ઓફર આપી હતી, બાદમાં અમે ૫૦ ટકાની છુટ આપી હતી.

(3:46 pm IST)