Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસઃ સોમવારે મતદાન

આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશેઃ છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે ૯૩ બેઠકો પર ચૂંટણી પડઘમ શાંત થશે. સાંજે ૫ વાગ્‍યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ગુજરાતમાં બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની કુલ ૯૩ વિધાનસભા બેઠકો માટે ૫ ડિસેમ્‍બરે મતદાન થશે. સોમવારે સવારે ૫ વાગ્‍યાથી મતદાન શરૂ થશે, જ્‍યારે શનિવારે સાંજે પાંચ વાગ્‍યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

૮૯ બેઠકો પર કુલ ૬૩.૧૪ ટકા મતદાનઃ ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ ૮૨.૩૩ ટકા તો કચ્‍છના ગાંધીધામમાં સૌથી ઓછુ ૪૭.૮૬ ટકા મતદાન નોંધાયું છે. કુલ ૭૮૮ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્‍યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.

આ વખતે ૨૦૧૭ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ ૨૦૧૭માં ૬૮.૩૩ ટકા મતદાન થયુમ હતું. જ્‍યારે આ વખતે ૭ ટકા જેટલું મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ ૯ ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. આ બધાની વચ્‍ચે માત્ર ભાવનગરની ગારિયાધાર બેઠક પર જ મતદાન વધ્‍યું છે. ગારિયાધાર બેઠક પર ૩.૬૪% મતદાન વધ્‍યું છે જે રસપ્રદ છે.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્‍યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્‍યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્‍યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર મતદારોનો પણ સમાવેશ છે.

૨૦૧૭ના ચૂંટણી પરિણામ પર એક નજરઃ ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્‍બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્‍બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્‍બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કૉંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

(3:01 pm IST)