Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિશ્વમાં ઝડપથી ફેલાતા નવા વેરિઅન્ટને રોકવો અસંભવ : નિષ્ણાંતોએ કહ્યું- હવે તેના ઈલાજ પર આપવું પડશે ધ્યાન

વાયરસની પ્રકૃતિ શું છે તેના કરતાં આપણે હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસોમાં અચાનક વધારો થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે તેને રોકવો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નાણા સચિવ ડૉ. અનિલ ગોયલે કહ્યું કે તેને રોકવાની વાત કરવી અર્થહીન હશેવધુ મહત્વની બાબત એ છે કે તેની સારવાર કેવી રીતે કરવી અને અન્ય પાસાઓ પર ધ્યાન આપવામાં આવે.

એઈમ્સના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સંજય રાયે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે વાયરસની પ્રકૃતિ શું છે તેના કરતાં આપણે હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, પ્રથમ નજરમાં આ વાયરસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે માઈલ્ડ થઈ ગયો છે. એટલા માટે આપણે કહી શકીએ કે આવનારા દિવસોમાં તે આપણા માટે વરદાન સાબિત થાય તેવી શકયતા છે, તેથી ડરવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે.

ઓમિક્રોન કોરોના વેરિયન્ટના કેસો હવે ભારતમાં પણ છે. તે જ સમયે, જે દેશોમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, ત્યાં એક અઠવાડિયાની અંદર કેસોમાં ઝડપથી વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાં, જે દેશમાં આ નવા વેરિયન્ટની પ્રથમ જાણ કરવામાં આવી હતી, ત્યાં ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે કોરોનાના 388% વધુ કેસ નોંધાયા છે.

(10:17 pm IST)