Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રવેશઃ LNJPમાં ૧૨ સંદિગ્ધ દર્દીઓ દાખલ

દર્દીઓમાંથી બે જણના કોવિડ ૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

નવી દિલ્હી, તા.૩: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ ચિંતિત છે, ત્યારે હવે આ વેરિયેન્ટ ભારતમાં પણ પહોંચી ચૂકયો છે. દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ૧૨ સંદિગ્ધ દર્દીઓ મળ્યા છે. આ બધા દર્દીઓને લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીઓમાંથી બે જણના કોવિડ૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અન્ય તપાસનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. કહેવાય છે કે ચાર સંદિગ્ધો બ્રિટન, એક ફ્રાંસ અને એક નેધરલેન્ડ્સથી પરત ફર્યો હતો.

દિલ્હીમાં શુક્રવારે ઓમિક્રોન સંદિગ્ધોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે. ગુરુવાર સુધી LNJPમાં આઠ દર્દીઓ દાખલ થયા હતા. બધા દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવેન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં જયપુરમાં પણ શુક્રવારે એક જ પરિવારના પાંચ લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. પરિવારે માહિતી આપી હતી કે તેમના સંબંધીઓ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. હાલ આરોગ્ય કર્મચારીઓએ પરિવારને ઘરે જ કવોરોન્ટીન કરી છે. તેમનાં સેમ્પલ પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

દિલ્હી પહેલાં ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં મળ્યા છે.ઓમિક્રોન ૪૬ વર્ષના ભારતીય ને ૬૬ વર્ષીય દક્ષિણ આફ્રિકી નાગરિકમાં મળી આવ્યો હતો. બંને દર્દીઓએ બંને ડોઝ લાગી ચૂકયા હતા. ભારતીય નાગરિકમાં ૨૧ નવેમ્બરે લક્ષણો (તાવ અને શરીરમાં દુખાવો) સામે આવ્યાં હતાં. એ પછીના દિવસે ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકન નાગરિકમાં કોઈ લક્ષણ દેખાતાં નહોતાં.

કોરોનાના નવા વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમનાં સેમ્પલ, જિનોમ સિકવેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

(3:46 pm IST)