Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઓકિસજનની અછતને લીધે માત્ર પંજાબમાં ૪ લોકોના મોત થયા હતાઃ લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓકિસજનની અછત સામે આવી હતી અને મોટી સંખ્યામાં મૃત્યુની આશંકા પણ વ્યકત કરાઇ હતી

નવી દિલ્હી, તા.૩: કોરોનાની બીજા લહેર દરમિયાન દેશમાં ઓકિસજનની અછત સામે આવી હતી અને મોટી સંખ્યામાં મૃત્યુની આશંકા પણ વ્યકત કરાઇ હતી. જો કે, લોકસભામાં આને લગતા એક પ્રશ્નના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, માત્ર પંજાબમાં જ ઓકિસજનની અછતને કારણે ૪ લોકોના મોત થયા છે. સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમે તમામ રાજયોને પત્ર લખીને ડેટા માંગ્યા હતા. આ સંદર્ભે ૧૯ રાજયો તરફથી જવાબ મળ્યો હતો. તેમાંથી માત્ર પંજાબે ઓકિસજનની અછતને કારણે મૃત્યુની વાત કહી હતી.

શુક્રવારે પણ રાજયસભા અને લોકસભામાં હંગામો ચાલુ રહ્યો હતો. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને લોકસભા અધ્યક્ષે ઠપકો આપ્યો હતો. મહિલા સુરક્ષાના મુદ્દા પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદો પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ શરમજનક છે કે આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા દરમિયાન પણ તમે લોકો હંગામો કરી રહ્યા છો. તમે સંસદના આદરણીય સભ્યો છો અને તમારે ગંભીરતાથી વર્તવું જોઈએ.

સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. આ સત્રની શરૂઆતથી જ વિપક્ષ ગૃહમાં હંગામો કરીને ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યો છે. સસ્પેન્ડેડ સાંસદોના મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી દ્યણી વખત રોકવી પડી હતી. જયાં વિપક્ષ કહી રહ્યો છે કે સાંસદો આ અંગે માફી નહીં માંગે તો સરકાર અને બંને ગૃહોના અધ્યક્ષ ઈચ્છે છે કે સાંસદોએ માફી માંગવી જોઈએ. હોબાળાને કારણે વિપક્ષના ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(3:46 pm IST)