Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

હદ થઈ ગઈઃ ઉદઘાટન કરવા નવા રસ્તા પર નારિયેળ વધેર્યુ તો નારિયેળ ના તુટયુ પણ રસ્તા પર ખાડો પડી ગયો

ભારતમાં સરકારી પ્રોજેકટોને ભ્રષ્ટાચારની ઉધઈ ફોલી ખાતી હોય છે

નવી દિલ્હી, તા.૩: ઉદઘાટન થયા બાદ પુલ ધરાશયી થતા હોવાના કે નવો રસ્તો બન્યા બાદ ગણતરીના દિવસોમાં ધોવાઈ જતો હોવાના કિસ્સા બનતા હોય છે.હવે તેને પણ ટપી જાય તેવી ઘટના યુપીના બિજનોરમાં બની છે.

અહીંયા સિંચાઈ વિભાગ દ્વારા નહેરને અડીને ૧.૧૬ કરોડ રુપિયાના ખર્ચે સાત કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.આ પૈકી ૭૦૦ મીટરનો રસ્તો બની ગયા બાદ તેનુ ઉદઘાટન કરવાનો નિર્ણય લેવાયો હતો.

સ્થાનિક ધારાસભ્ય ગઈકાલે સાંજે ઉદઘાટન કરવા માટે ગયા હતા.પૂજા કર્યા બાદ તેમને પરંપરાના ભાગરુપે શ્રીફળ વધેરવા માટે અપાયુ હતુ.નવા રસ્તા પર તેમણે નારિયેળ વધેર્યુ હતુ પણ નવા બનેલા રસ્તાની ગુણવત્તા એટલી હલકી હતી કે, નારિયેળ તો તુટયુ નહોતુ પણ જે જગ્યાએ ધારાસભ્યે નારિયેળ વધેર્યુ હતુ તે જગ્યાએ ખાડો પડી ગયો.

આ જોઈને નારાજ ધારાસભ્યે ઉદઘાટન કરવાનુ માંડી વાળ્યુ હતુ.દરમિયાન સરકારી અધિકારીઓ પણ આ ફજેતો જોઈને ચોંકી ઉઠયા હતા.હવે રસ્તાના બાંધકામની ગુણવત્ત્।ાની તપાસ કરવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.સેમ્પલ લઈને લેબમાં મોકલવાની તંત્રે ખાતરી આપી છે.

(3:43 pm IST)