Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કર્મચારીને મળવા પાત્ર પેન્શન નિવૃત્તિ સમયના નિયમો મુજબ મળવું જોઇએ : સમાન હોદ્દા ઉપર નોકરી કરતા કર્મચારીઓ માટે સમાન નિયમો લાગુ પડવા જોઇએ : કોચીન યુનિવર્સિટીની લો-કોલેજમાંથી લેકચરર તરીકે નિવૃત્ત થયેલા ડો. જી. સદાશિવન નાયરને પુરેપુરૂ પેન્શન મળવું જોઇએ : સુપ્રિમ કોર્ટનો ચૂકાદો

ન્યુ દિલ્હી, તા. ૩ :  કોચીન યુનિવર્સિટી લો-કોલેજમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર ડો. જી. સદાશિવન નાયરને નિવૃત્તિના સમયના નિયમો મુજબ પેન્શ મળવું જોઇએ. આ હોદા ઉપરથી નિવૃત્ત થયેલા અન્ય લેકચરરને પુરેપુરૂ પેન્શન આપવામાં આવ્યું હતુ જયારે ડો. સદાશિવના કેસમાં ઇન્કાર કરાયો હતો.

આથી તેમણે યુનિવર્સિટી રજીસ્ટાર, ચાન્સેલર, તેમજ હાઇકોર્ટ સુધી રજુઆતો કરી હતી પરંતુ તેમની વિનંતી માન્ય રાખવામાં આવી નહોતી. તેથી તેમણે સુપ્રિમ કોર્ટમાં અરજ ગુજારી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોકત ચૂકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડો. સદાશિવન ૧૯૮૪ ની સાલમાં લેકચરર તરીકે જોડાયા હતા ત્યાર પહેલા ૧ર વર્ષ સુધી એડવોકેટ તરીકે તેમણે પ્રેકટસ કરી હતી. જે અનુભવના આધારે તેમની લેકચરર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ૧ર વર્ષનો સમય ગાળો પણ પેન્શનની ગણતરી વખતે ધ્યાનમાં લેવો જોઇએ તેવી તેમની માંગણી હતી. જે અન્ય લેકચરરના કેસમાં ધ્યાનમાં લેવાઇ હતી. તે મુજબ તેમને પણ લાભ મળવો જોઇએ. તેવી તેમની માંગણી હતી.

આથી સુપ્રિમકોર્ટે કરેલા અવલોકન મુજબ જણાયું હતું કે યુનિવર્સિટી સમાન હોદ્દા ઉપર કામ કરતા તથા સમાન અનુભવના આધારે નોકરી મેળવનાર કર્મચારીઓ વચ્ચે નોકરીમાં જોડાયાની તારીખના નિયમો અમલ કરતો ભેદભાવ રાખી શકે નહીં. કર્મચારીને મળવાપાત્ર પેન્શન નિવૃત્તિના સમયના નિયમોને આધારે મળવું જોઇએ. તેથી પ્રોફેસર સદાશિવને પુરેપુરૂ પેન્શન મળવાપાત્ર ગણાવતો ચુકાદો આપ્યો હતો તેવું એલ.એલ. દ્વારા જાણવા મળે છે.

(2:52 pm IST)