Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાવાઝોડા જવાદને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં કાલે રેડ એલર્ટ : મધ્યપ્રદેશમાં ઠંડી વધી

ઇન્દોર સહિત ૮ જિલ્લામાં વીજળી પડવાને લઇને યલો એલર્ટ : શુક્ર - શનિ - રવિ માછીમારોને પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં નહીં જવા સલાહ

નવી દિલ્હી તા.૩ : ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી જાણકારી મુજબ તોફાન જવાદ શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટો પર અથડાઈ શકે છે. વિભાગે ગુરૂવારે જણાવ્યું કે ૩ નવેમ્બરે દક્ષિણ તટીય ઓડિશા અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા છે. આ તોફાનના કારણે આંધ્ર પ્રદેશના ૩ ઉત્તરીય તટીય જિલ્લામાં અધિકારીઓએ હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ૩થી ૫ ડિસેમ્બરની વચ્ચે માછીમારોના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં નહીં જવાની સલાહ આપી છે.

આંધ્ર પ્રદેશ રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણના આયુકતે કન્ના બાબૂએ કહ્યું કે શુક્રવાર રાતે બંગાળની ખાડીના તટ પર ૪૫-૬૫ કિમી પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલવાની શકયતા છે અને શનિવારે સવાર સુધી આ હવાઓની સ્પીડ ૭૦-૯૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવતી તોફાનના પરિણામ સ્વરૂપ ઉત્તરી તટીય જિલ્લામાં વિભિન્ન સ્થાનો પર મધ્યમથી ભારે વરસાદ થવાની શકયતા છે.

સીએમ વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ગુરુવારે શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી અને તોફાનને ધ્યાનમાં રાખીને તેમને તમામ ઐતિહાસિક પગલા ભરવાના નિર્દેશ કર્યા. ચક્રવાતના ધ્યાનમાં રાખી ૪ ડિસેમ્બર માટે તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં રેડ એલર્ટ જારી કર્યુ છે.

બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાનથી આ અઠવાડિયે દક્ષિણ બંગાળના અનેક જિલ્લામાં તેજ હવાઓની સાથે ભારે વરસાદ થવાની શકયતા છે. ત્યારે ભોપાલ અને ઈન્દોર સહિત પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં ગુરૂવારે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આઈએમજીએ ઈન્દોર સહિત ૮ જિલ્લામાં વીજળી પડવાને લઈને ચેતવણી સહિત યલો એલર્ટ જારી કર્યુ છે.

(2:54 pm IST)