Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

તો યુપીમાં પ્રિયંકાની સરકાર બનશે : ગાંધી પરિવારના રાજપુરોહીતની ભવિષ્યવાણી

જો રાહુલ-પ્રિયંકા સંગમમાં ડુબકી લગાવે અને તેમની ૧૧ પેઢીઓના રાજપુરોહીતના આશીર્વાદ લ્યે તો ગ્રહ નક્ષત્ર અનુકુળ થશે અને : ઈન્દીરા ગાંધી પુન્નીલાલ પાંડાને ભાઈની જેમ માનતાઃ આજે રાહુલ-પ્રિયંકા સંગમ આવે છે, પણ યાદ નથી કરતાઃ ગોપાલલાલ પાંડા

પ્રયાગરાજ, તા. ૩ :. સંગમનગરી પ્રયાગરાજમાં આજે પણ રાહુલ-પ્રિયંકાની ૧૧ પેઢીઓની વંશાવલી તીર્થપુરોહીત પાસે છે. ગાંધી પરિવાર ઘણી પેઢીઓથી સંગમ સ્થળે આવતા રહ્યા છે. રાહુલના દાદાના પરદાદા પણ અહીં આસ્થાની ડૂબકી લગાવી ચૂકયા છે. રાહુલ-પ્રિયંકાના પૂર્વજોનું સંગમ આવ્યાનું પ્રમાણ આજે પણ તીર્થપુરોહીત પુન્નીલાલ પાંડાના પૌત્ર ગોપાલલાલ પાંડા પાસે સચવાયેલ છે.

પંડીત નહેરૂ અને ઈન્દીરા ગાંધીનું અસ્થિ વિસર્જન પણ અહીંયા કરવામાં આવેલ. ગાંધી પરિવારની ૧૧ પેઢીઓની વંશાવલીમાં આજે પણ તિથી સાથે મોજુદ છે. ગોપાલલાલ પાંડાએ ભવિષ્યવાણી કરતા જણાવેલ કે જો રાહુલ અને પ્રિયંકા ૧૧ પેઢીઓથી ચાલ્યા આવતા તીર્થપુરોહીતને યાદ કરે છે તો તેમની ગ્રહ નક્ષત્ર અનુકુળ બનશે અને ૨૦૨૨ની ચૂંટણીમાં યુપીમાં પ્રિયંકાની સરકાર બનશે.

ગાંધી પરિવારના તીર્થપુરોહીત ગોપાલ પાંડાએ જણાવેલ કે ગાંધી પરિવારથી જોડાયેલ ચાર પેઢી પસાર થઈ ચૂકી છે. પુન્નીલાલ મહારાજ બાદ મારા પિતા અને તેમના અવસાન બાદ હવે પાંચમી પેઢીને આગળ વધારવાનું કામ હું કરી રહ્યો છું. પુન્નીલાલ મહારાજના સમયે સોનીયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી ઈન્દીરા ગાંધીના અસ્થિ વિસર્જન કરવા સંગમ આવેલ, ત્યાર બાદ તેઓ નથી આવ્યા. ગાંધી પરિવારના પૂર્વજ કાશ્મીરી પંડીત છે અને તેમનું પ્રમાણ આજે પણ વંશાવલીમાં છે. અરબી અને ફારસી ભાષામાં જ્યારે વંશાવલી લખાતી ત્યારથી ગાંધી પરિવારની પેઢીઓની માહિતી લખાઈ છે. તેમણે વધુમાં જણાવેલ કે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આવીને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવી જોઈએ અને પૂર્વજોથી ચાલ્યા આવતા તીર્થપુરોહીતના આશીર્વાદ લેવા જોઈએ. એવું કરવાથી નિશ્ચિતરૂપે ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં તેમને જનતાના આશીર્વાદ મળશે અને યુપીમાં જીત મળશે.

ગોપાલ પાંડાએ પોતાના દાદા પુન્નીલાલ પાંડા એક જમાનામાં ગાંધી પરિવારના ખાસ હોવાનું જણાવતા કહેલ કે, ઈન્દીરા ગાંધી તેમને ભાઈની જેમ માનતા હતા. આનંદ ભવન જ્યારે આવતા ત્યારે તેઓ વીઆઈપી પાસ દ્વારા મળવા જતા. આજના સમયમાં ગાંધી પરિવારે પોતાના પૂર્વજોના તીર્થપુરોહીતને ભુલાવી દીધા છે. ૨૦૧૯માં કુંભથી લઈને ઘણીવાર રાહુલ-પ્રિયંકા સંગમ આવ્યા પણ પોતાના તીર્થપુરોહીતને યાદ ન કર્યા.ગાંધી પરિવારની વંશાવલીની સાથે જ પેઢીઓના આગમનના ફોટાઓ પણ સાથે હોવાનું પાંડાએ જણાવેલ. જેમાં નહેરૂજી, ઈન્દીરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનીયા ગાંધી, રાહુલ-પ્રિયંકાના ફોટાઓ છે.

(11:36 am IST)