Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સરકારને સવાલોથી ડર, સત્યથી ડર,સાહસથી ડર : રાહુલ ગાંધી

રાજ્યસભામાંથી ૧૨ સાંસદોને સસ્પેન્ડના મુદ્દે વિરોધ :વિપક્ષ દ્વારા સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવન પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૨ : રાજ્યસભામાંથી ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓનો વિરોધ આજે પણ યથાવત રહ્યો હતો.

દરમિયાન આ સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર સવાલોથી ડરે છે.સવાલોથી ડર, સત્યથી ડર અને સાહસથી ડર.....આ સરકાર તમામ બાબતોથી ડરી રહી છે અને જે ડરે છે તે અન્યાય કરે છે.

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ થયેલા સાંસદોમાં ૬ કોંગ્રેસના અને બાકીના બીજી પાર્ટીઓના સાંસદો છે.

આજે વિપક્ષ દ્વારા સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવન પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા હતા.વિપક્ષના સાંસદોએ કાળી પટ્ટી અને માસ્ક પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ ધરણામાં સામેલ થયા હતા.

કોંગ્રેસ નેતા કે સી વેણુ ગોપાલે કહ્યુ હતુ કે, સસ્પેન્શન પાછુ નહીં ખેંચાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.સાંસદોએ લોકોનો અવાજ ઉઠાવ્યો હતો અને કશું ખોટુ નથી કર્યુ.પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર જાણી જોઈને સંસદ ચાલવા દેવા નથી માંગતી.જેથી સરકારને લોકોના મુદ્દાઓ પર જવાબ ના આપવો પડે.

(12:00 am IST)