Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દેશના સૌથી પછાત રાજ્યનો દરજ્જો ધરાવતા બિહાર બનશે ધનવાદ :સોનાનો ભંડાર મળ્યો

દેશમાં કુલ સોનાની અનામતોમાં 44 ટકા સોનું તો ફક્ત બિહારમાં જ હોવાનું જાણવા મળ્યું

નવી દિલ્હી :દેશના સૌથી પછાત રાજ્યનો દરજ્જો ધરાવતા બિહારમાં સોનાની ખાણ મળી આવી છે અને તેમા એટલું સોનું છે જે અત્યાર સુધીમાં દેશમાં બીજે ક્યાંય નથી. બિહારમાં પશ્ચિમ ચંપારણ અને ગયા જિલ્લામાં સોનાનો ભંડાર હોવાનું માલૂમ પડયું છે. દરમિયાન આ બધુ સંયુક્ત રાષ્ટ્રસંઘના ફ્રેમવર્ક વર્ગીકરણ હેઠળ થયું હોવાથી તેની વિશ્વસનીયતા વધારે છે.

 

બિહાર ભાજપના વડા સંજય જયસ્વાલે લોકસભામાં ખનીજ મંત્રી પ્રહાદ જોશીએ આપેલા જવાબને ટ્વિટર પર શેર કર્યો છે. તેમા કેન્દ્રીય પ્રધાનને ટાંકીને જણાવાયું છે કે દેશમાં કુલ 501.83 ટન પ્રાથમિક સુવર્ણ ખનીજભંડાર છે અને 654.74 ટન સોનાની ધાતુ છે. દેશમાં કુલ સોનાની અનામતોમાં 44 ટકા સોનું તો ફક્ત બિહારમાં જ હોવાનું જાણવા મળ્યું છે.રાજ્યમાં જમુઈ જિલ્લાના સોના ક્ષેત્રમાં 37.6 ટન ધાતુ ખનીજ સહિત 222.85 ટન સોનાની ધાતુ છે.

ઝારખંડ અલગ થયા પછી બિહાર ખનીજ ધાતુઓના મામલામાં એકદમ શૂન્ય થઈ ગયું હતું. હવે રાજ્યના ગયા અને રોહતાસ જિલ્લામાં બે મહત્ત્વના ખનીજ ભંડારોની ખબર પડી છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે આ વિસ્તારોમાં ખનનનું કાર્ય ઝડપથી શરૃ કરવામાં આવે.

બિહારના ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલે લોકસભામાં આ અંગે સવાલ પૂછી જાણકારી માંગતા કેન્દ્રીય ખાણમંત્રી પ્રહાદ જોશીએ આ અંગે જવાબ આપ્યો હતો. આમ બિહારમાંથી સોનું મળી આવતા તે કદાચ પછાતપણાના અને ગરીબીના મહેણામાંથી બહાર આવી શકશે.

(12:08 am IST)