Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ: ટીવી પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ તૈયાર

વેક્સિનને લઈને લોકોના ડરને દૂર કરવા ત્રણેય પૂર્વ રાષ્ટ્રપતિએ જાહેરમાં વેક્સીન લેવા તૈયારી દર્શાવી

વોશિંગટનઃ અમેરિકામાં કોરોના વાયરસ વેક્સિનના પ્રભાવને લઈને લોકોના મનમાં હજુ શંકા બનેલી છે. તેથી લોકોના મનમાં વેક્સિનને લઈને વિશ્વાસ પેદા કરવા માટે અમેરિકાના ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિઓએ તેના ડોઝને સૌથી પહેલા ખુદને લગાવવાનો નિર્ણય કર્યો છે. બરાક ઓબામા, જોર્જ ડબ્લ્યૂ બુશ અને બિલ ક્લિન્ટને એક સાથે વેક્સિન લેવાની તત્પરતા દેખાડી છે. 

બુધવારે એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે, તેમને સર્વોચ્ચ અમેરિકી સંક્રમણ રોગ નિષ્ણાંત એંથની ફૌસી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે મને જણાવ્યુ કે, આ વેક્સિન સુરક્ષિત છે. તેથી હું તેની ડોઝ લેવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, હું ટીવી પર લાઇવ આ વેક્સિનને લગાવી શકુ છું, કે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને તે જાણવા મળે કે મને આ વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ છે.

 

બરાક ઓબામાએ તે સ્વીકાર્યુ કે આફ્રિકી અમેરિકી સમુદાયમાં ઘણા એવા લોકો છે, જેને વેક્સિન પર વિશ્વાસ નથી. તેમણે ભાર આપીને કહ્યુ કે, મોટા પાયા પર વેક્સીનેશન પોલિયોમાઇલાઇટિસ જેવી બીમારીઓને ખતમ કરે છે અને ઓરી અને શીતળાથી થનારા સામુહિક મોતને રોકે છે. 

બુધવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશના ચીફ ઓફ સ્ટાફ ફ્રેડી ફોર્ડે જણાવ્યુ કે, તેમણે ડો ફૌસી અને વાઇટ હાઉસના કોરોના વેક્સિન પ્રતિક્રિયા ટીમ સાથે વાત કરી છે. બુશે વાતચીત દરમિયાન ટીમને પૂછ્યુ કે શું તે રસીને પ્રોત્સાહન આપવા માટે શું મદદ કરી શકે છે. ફ્રેડી ફોર્ડે કહ્યુ કે, સૌથી પહેલા વેક્સિનને સુરક્ષિત સમજવી જોઈએ અને પ્રાથમિકતા પ્રમાણે લોકોને આપવી જોઈએ. તે માટે પૂર્વ રાષ્ટ્રપતિ બુશ પણ ખુશીથી લાઇનમાં ઉભીને કેમેરા સામે વેક્સિન લેશે.

પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ કહ્યુ કે, તે જાહેરમાં કોરોના વાયરસ વેક્સિન લેવા માટે તૈયાર છે. ક્લિન્ટનના પ્રવક્તા એંજલ ઉરેનાએ કહ્યુ કે, સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓની પ્રાથમિકતાના આધાર પર પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન ચોક્કસપણે વેક્સિન લેશે. જો આ બધા અમેરિકીઓને વેક્સિન પ્રત્યે વિશ્વાસ પેદા કરવામાં સહાયક હશે તો તેઓ જાહેરમાં વેક્સિન લઈ શકે છે. 

નવેમ્બર મહિનામાં ગૈલપ પોલના એક સર્વેમાં અમેરિકીઓના મનમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને ખુબ ડર જોવા મળ્યો છે. ચાલીસ ટકા અમેરિકી લોકોએ તે કહ્યું કે, તેઓ કોરોના વેક્સિનના ડોઝ લેશે નહીં. આ લોકોના મનમાં વેક્સિન લીધા બાદ શરીરમાં રિએક્શનને લઈને શંકા છે. 

(12:00 am IST)