Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કૃષિમંત્રીનું આશ્વાસન :કહ્યું એમએસપીમાં કોઈ ફેરફાર નહિ : ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની માંગ પર અડગ

આ કાયદો ફક્ત ઉદ્યોગપતિઓને ધ્યાને રાખીને બનાવ્યો છે:ખેડૂતોનો આક્ષેપ

નવી દિલ્હી : દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે થયેલી બેઠકમાં કહ્યુ હતું કે, લઘુતમ ટેકાના ભાવ (MSP)ને કોઈ પણ પ્રકારની ક્ષતિ આવશે નહીં. ખેડૂત નેતાઓની પ્રતિક્રિયા બાદ તેમણે સ્પષ્ટ કહ્યુ હતું કે, એમએસપીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં

કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ, નરેન્દ્ર સિંહ તોમર, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય મંત્રી ઓમ પ્રકાશે 40 કિસાન સંગઠનના નેતાઓ સાથે દિલ્હીના વિજ્ઞાન ભવ ખાતે આજે ચોથી વાર બેઠક ગોઠવી હતી.જો કે, આ બેઠકમાં પણ અગાઉની માફક કોઈ નિરાકરણ આવ્યુ નથી.

કિસાન સંગઠનો નવા કૃષિ બિલને પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે. તેઓ આ બિલને લઈને સરકાર સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા રાજી નથી. હજારો ખેડૂતો સરકાર પાસે નવા કૃષિ કાયદાને હટાવાની માગ કરી રહ્યા છે. કારણ કે, તેમને એ ચિંતા સતાવી રહી છે કે, તેનાથી માર્કેટયાર્ડની વ્યવસ્થા ખતમ થઈ જશે.

ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ કાયદો ફક્ત ઉદ્યોગપતિઓને ધ્યાને રાખીને બનાવ્યો છે. જો કે, સરકારે ખેડૂતોને અશ્વાસન આપ્યુ છે કે, આવુ કંઈ નહીં થાય. સરકારે ખેડૂતોને એવા દરેક મુદ્દા વિશે ધ્યાન દોરવા કહ્યુ છે, જેનાથી ખેડૂતોને પરેશાની થઈ શકે છે

કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા દ્વારા મળનારી જોગવાઈ પર ચર્ચા કરવા માટે એક કમિટિ બનાવાની ભલામણ કરી છે. જો કે, ખેડૂત સંગઠનો તેનાથી માનવા રાજી નથી. ખેડૂતો આ કાયદાને દૂર કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાની માગ પર અડગ રહ્યા છે.

(11:02 pm IST)