Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ટ્રાન્સપોર્ટરો પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને :બે દિવસનું અલ્ટીમેટમ, ખેડૂતોએ સરકાર પાસે લેખિત ખાતરી માંગી

બે દિવસમાં ખેડૂતોની માગણીઓનો ઉકેલ નહીં લાવે તો દિલ્હીના સડકો પર ટ્રક અને ટેક્સીઓ બંધ કરવા ચીમકી

નવી દિલ્હી : ખેડૂત આંદોલનની વચ્ચે ગુરુવારે ટ્રાન્સ્પોર્ટરે પણ મોટી જાહેરાત કરી દીધી. તેમણે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમના મુજબ આગામી બે દિવસમાં ખેડૂતોની માગણીઓ અંગે સરકાર ઉકેલ નહીં લાવે તો દિલ્હીના સડકો પર ટ્રક અને ટેક્સીઓ બંધ થઇ જશે.

કૃષિ કાયદા મામલે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની મંત્રણા ચાલુ છે. પરંતુ પોતાની માગો પર અડગ ખેડૂતોને સરકાર પાસેથી ત્રણેય કાયદા પાછા ખેંચવા અને MSP સહિતની તેમની માગો અંગે લેખિતમાં ખાતરી જોઇએ છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર ડટેલા છે. તેમની માગો છે કે સરકાર સંસદમાં લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા રદ કરે. હવે ખેડૂત આંદોલનને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સમર્થન  મળતા કેન્દ્ર સરકાર પણ આ મામલો ઝડપથી ઉકેલવા માગે છે.

પરંતુ તે કાયદા પાછા ખેંચવા રાજી નથી. જે ખેડૂતોની મૂળ માગ છે. પરિણામે ચાર તબક્કામાં વાતચીત થઇ ગઇ હોવા છતાં હજુ કોઇ નક્કર પરિણામ આવતું દેખાતું નથી.sporters support farmers

ખેડૂતોએ બીજા તબક્કાની મંત્રણા વખતે સરકાર પાસે પોતાની 6 માગો મૂકી દીધી હતી. સરકાર વચ્ચેને કોઇ માર્ગ શોધી રહી છે. તેમ છતાં ખેડૂતો ત્રણેય કાયદા પાછા ખેંચવા અને લઘુત્તમ ટેકાના ભાવો સહિત પોતાની તમામ માગો અંગે લેખિતમાં ખાતરી માગી રહ્યા છે. તેના પર પેચ અટક્યો છે.

છેલ્લા એક સપ્તાહથી દિલ્હીની સડકો પર ખેડૂત આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. દિલ્હી કૂચ કરવા માટે હરિયાણા અને પંજાબના ખેડૂતોની સાથે અન્ય કેટલાક સંગઠનો પણ જોડાવા લાગ્યા છે.

ટ્રાન્સપોર્ટરોએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે સરકાર જો આગામી બે દિવસમાં ખેડૂતોની વાત નહીં માને તો દિલ્હીમાં તમામ ટ્રક, ટેકસીઓ બંધ કરી દેવાશે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જાલંધરના પ્રધાન જગજીત સિંઘ કંબોજ અને ચેરમેન મોહિન્દર સિંઘના નેતૃત્વમાં એક બેઠક મળી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે.પ્રધાન કંબોજે કહ્યું રે ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોનો ગાઢ સંબંધ છે. ખેતી ચાલશે તો ટ્રાન્સપોર્ટ ચાલશે.

ગુરુવારે રાજસ્થાનના ખેડૂતો પણ આંદોલનમાં જોડાઇ ગયા હતા. જયપુરમાં ખેડૂતો દિલ્હી હાઇવે પર ભેગા થયા હતા. પરિસ્થિતિ જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાહનોના રુટ પણ બદલી દેવાયા છે.

(7:25 pm IST)