Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૨૦૦૦ની નોટોની સપ્લાય બંધ કરી હોવાની વાત ખોટી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી : સોશિયલ મીડિયામાં નોટોને બંધ કરાઇ હોવાનો દાવો

નવી દિલ્હી,તા.૩ : હાલમાં સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ આર્ટિકલ ખૂબ જ ઝડપતી વાયરલ થઈ રહ્યો છે. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ બેંકોને ૨ હજારની નોટોની સપ્લાય બંધ કરી દીધી છે. તેના કારણે મોટાભાગની બેંકોના એટીએમમાં માત્ર ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ની નોટ નીકળી રહી છે. આ ન્યૂઝ આર્ટિકલ વાયરલ થયા બાદ ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. સામાન્ય જનતાને આશંકા છે કે ક્યાંક સરકાર ૮ નવેમ્બર ૨૦૧૬ની જેમ આ વખતે ૨ હજારની નોટ બંધ ન કરી દે અને તેમણે ફરી એકવાર બેંકોમાં ૨ હજાની નોટો બદલાવવા માટે લાઇનો લગાવવી પડી જશે. નોંધનીય છે કે આ વાયરલ ન્યૂઝ આર્ટિકલની તપાસ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કરી તો જાણવા મળ્યું કે આ દાવો બિલકુલ ખોટો છે અને આરબીઆઈએ ૨ હજારની નોટોની સપ્લાય બેંકોને બંધ કરી જ નથી.

            વાયરલ ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે, એટીએમથી ૨ હજારની નોટ નીકળવાની બંધ થઈ ગઈ છે, કારણ કે આરબીઆઇએ દેશની તમામ બેંકોને ૨ હજારની નોટોની સપ્લાય બંધ કરી દીધી છે. તેની સાથે જ આરબીઆઇએ તમામ બેંકછને પોતાના એટીએમમાં ૨ હજારની નોટવાળી કેલિબર હટાવવાનો આદેશ આપ્યો છે. એવામાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ૫૮ એટીએમમાંથી ૨ હજારની નોટનું કેલિબર હટાવી દીધું છે. આ દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય બેંકોએ પણ પોતાના એટીએમમાંથી ૨ હજારની નોટોનું કેલિબર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એટીએમમાં ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ લોડ કરવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ જ્યારે આ વાયરલ ન્યૂઝ આર્ટિકલની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો એકદમ ખોટો છે. તેની સાથે જ પીઆઇબી ફેક્ટ ચેક એ સ્પષ્ટ કર્યું કે આરબીઆઇ દેશની તમામ બેંકોને ૨ હજારની નોટોની સપ્લાય સતત કરી રહી છે. તેની સાથે જ દેશની કોઈ પણ બેંકે પોતાના એટીએમમાંથી ૨ હજારની નોટોનું કેલિબર હટાવ્યું નથી.

(7:04 pm IST)