Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કૃષિ કાયદા સામે વિરોધ નોંધાવતા પ્રકાશસિંહ બાદલે પરત કર્યુ પદ્મ વિભૂષણ સન્માન

બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો અને સન્માન પરત કર્યુ

નવી દિલ્હી, તા.૩: કૃષિ કાયદાઓની વિરોધમાં દેશમાં ખેડૂતો મોટાપાયે આંદોલન કરી રહ્યા છે અને હવે તે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધું છે.

પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો, ખેડૂતો પર એકશનની નિંદા કરી અને તેની સાથે જ પોતાનું સન્માન પરત કર્યું છે.

પોતાનો પદ્મ વિભૂષણ સન્માન પરત કરતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી પાસે બીજું કંઈ નથી. હું જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે તો કોઈ પ્રકાના સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.પ્રકાશ સિંહ બાદલે વધુમાં લખ્યું કે ખેડૂતોની સાથે જે રીતની છેતરપિંડી કરવામાં આવી છે તેનાથી ખૂબ જ દુઃખી છું. ખેડૂતોના આંદોલનને જે રીતે ખોટા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી રહી છે, તે દુખદ છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતોની સાથે મોટી છેતરપિંડી ગણાવી હતી. આ ઉપરાંત સુખબીર બાદલે અકાલી દળનું NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરીને પંજાબ ચૂંટણીમાં એકલા જ લડવાની વાત કહી હતી.

(3:17 pm IST)