Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

માસ્ક ન પહેરવા બદલ કોવિડ સેન્ટરમાં ફરજની સજા મામલે હાલ તુર્ત રાહત મળી

ગુજરાત હાઇકોર્ટના ગઇકાલના નિર્દેશ સામે સુપ્રિમ કોર્ટે આપ્યો સ્ટેઃ હાઇકોર્ટનાં આદેશને ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો : ગુજરાત સરકાર - પ્રજાને રાહત

નવી દિલ્હી, તા.૩: ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે  રાજય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટનો આદેશ પડકાર્યો છે. આ મામલે ગુજરાત સરકાર માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે કે, હાલ હાઇકોર્ટનાં આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે.

હાઇકોર્ટનો ગુજરાત સરકારને નિર્દેશ હતો કે, જેઓ માસ્ક ન પહેરે તેમને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવા કરાવો, આ નિર્ણય પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. એટલે માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવાના નિર્ણય પર વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી સ્ટે લાવી દેવામાં આવ્યો છે.

આ મામલે અર્જન્ટચાર્જમાં સુનવણી કરવા રાજય સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. રાજય સરકારની અપીલ પ્રમાણે, કોવિડ સેન્ટરમાં કામગીરી સોંપવી એ ગંભીર બાબત છે. કોવિડ ટાસ્કમાં ટ્રેનિંગ વગર સામાન્ય વ્યકિતને મોકલી ન શકાય. બેદરકાર પ્રજા જો માસ્ક ન પહેરતી હોય તો ડ્યુટી પર માસ્ક પહેરીને કામ કરાવવું અઘરૂ છે.

ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે, લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત ૫દ્મક ૬ કલાકની સામાજિક સેવા આપવા માટે જાહેરનામું બહાર પાડે અને તાત્કાલિક અમલ કરાવે.

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે અગાઉ જ સરકારને માસ્ક વગર ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દંડ વસુલવા ઉપરાંત તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે પણ વિકલ્પ અંગે વિચારવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે આ હાઈકોર્ટના આ અવલોકન બદલ એવો જવાબ રજૂ કર્યો હતો કે હાલમાં સરકાર કોવિડ સંક્રમણ નિવારવા માટે કામ કરી રહી છે અને તેઓ માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે અસક્ષમ છે.

રાજય સરકારના આવા વલણથી નારાજ ગુજરાત હાઈકોર્ટે બુધવારે સરકારને જાહેરનામું બહાર પાડીને માસ્ક વગર ફરતા લોકોને દંડ સાથે ૫-૬ કલાક કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સેવા કરાવવા આદેશ આપ્યો હતો.

(3:12 pm IST)