Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અત્યાર સુધીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ રહ્યું 2020 : યુએનના રિપોર્ટમાં દાવો

આ સેરરાશ કરતાં 1.2 ડીગ્રી વધારે તાપમાન: એક વર્ષમાં ધ્રુવ પ્રદેશનો 152 અબજ ટન બરફ પીગળી ગયો : અત્યાર સુધીમાં 30 વાવઝોડા ઉદ્ભવ્યા

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને ગ્લોબલ વૉર્મિંગ અંગેનો 'સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ-2020' રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટ પ્રમાણે 2020નું વર્ષ 1850 પછીનું આજ સુધીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ નોંધાયું છે. આ વર્ષે સેરરાશ કરતાં 1.2 ડીગ્રી વધારે તાપમાન જોવા મળ્યું છે.

આંકડાની દૃષ્ટિએ નાનો લાગતો આ ફેરફાર ધરતીના હવામાનમાં બહુ મોટો ફેરફાર કરી શકે છે. સતત વધી રહેલા વાવાઝોડા, વરસાદ, જંગલની આગ, હીટવેવ, બરફ પીગળવો વગેરે પાછળ આ તાપમાન વૃદ્ધિ જ કારણભૂત છે. 2015માં પેરિસમાં પર્યાવરણ સંધિની જાહેરાત થઈ હતી. તેના પાંચ વર્ષ નિમિતે મળેલી બેઠકમાં આ રિપોર્ટ રજૂ થયો હતો.

રિપોર્ટ પ્રમાણે જમીન ઉપરાંત સમુદ્ર સપાટી પર પણ હીટવેવનું પરિણામ વધી રહ્યું છે, તેનાથી સમગ્ર હવામાન ચક્ર ખોરવાઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીના એક વર્ષમાં ધુ્રવ પ્રદેશોનો 152 અબજ ટન બરફ પીગળી ગયો હતો. બીજી તરફ એટલાન્ટિક મહાસાગરમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં 30 વાવાઝોડાં ઉદ્ભવ્યા છે.

આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશો બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરૂગ્વે, પેરાગ્વે વગેરે ભીષણ દુકાળનો ભોગ બન્યા છે. આ દેશોના કૃષિ ક્ષેત્રને અંદાજે 3 અબજ ડૉલરનું નુકસાન થયું છે. 1850થી 1900 સુધીના સરેરાશ તાપમાનની સરખામણીમાં ધરતીનું તાપમાન આ વખતે 1.2 ડીગ્રી વધારે જોવા મળ્યું છે.

આ પહેલા 2016 સૌથી ગરમ વર્ષ નોંધાયુ હતું. હવામાનના ફેરફારોને કારણે ભારતને આ વર્ષે 1994 પછી સૌથી વધુ વરસાદ મળ્યો હતો. ચોમાસાની સિઝન પછી પણ દેશના અનેક ભાગોમાં વરસાદ પડતો નોંધાયો હતો.

(12:25 pm IST)