Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મમતાનો ઓકસફર્ડ કાર્યક્રમ રદ થતા ટીએમસી લાલઘૂમ

ઉપરથી દબાણ હોવાનો આરોપ

કોલકત્તા,તા.૩ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીના ઓકસફર્ડ યુનિયન ડીબેટીંગ સોસાયટી કાર્યક્રમને અંતિમ સમયમાં રદ કરી દેવાયો હતો. કાર્યક્રમ રદ કરવા બાબતે તૃણમૂલ કોંગ્રેસ (ટીએસસી)એ નારાજગી વ્યકત કરી હતી.

ટીએસપીના એક સાંસદે કહ્યું કે આવું કંઇ પહેલીવાર નથી થયું તેમણે ૨૦૧૮ના મમતા બેનર્જીના શિકાગો ઇવેન્ટનો ઉલ્લે કરતા કહ્યું કે ત્યારે પણ આવી જ રીતે કાર્યક્રમ રદ કરાયો હતો. આમાં ઉપરથી કંઇ દબાણ હોવાનું લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળના ગૃહ વિભાગ અનુસાર, આયોજકોએ અચાનક છેલ્લી ઘડીએ કાર્યક્રમ કેન્સલ કરવાની માંગણી કરી હતી.

કેટલીક અચાનક મુશ્કેલીઓનો હવાલો આપતા આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની વાત કરી હતી. આયોજકો તરફથી મુખ્યપ્રધાન કાર્યાલયને જે મેલ કરાયો તેમાં લખ્યું છે કે આજે સવારની યોજના અનુસાર આગળ વધવામાં સમર્થન હોવા માટે હું ફરી એકવાર ક્ષમા યાચના માટે ઇમેલ કરી રહ્યો છું આ ખરેખર કમનસીબી છે. અમે બધા આ કાર્યક્રમ માટે ઉત્સુક હતા. અમારા દર્શકોએ ઘણાં બધા સવાલો મોકલ્યા હતા. કયારેક પરિસ્થિતી આપણા વશમાં નથી હોતી. મને આશા છે કે માનનીય મુખ્યપ્રધાન આ સમજી શકશેે

મમતા બેનર્જી આજે બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે ઓકસફર્ડ કરનાર પહેલી ભારતીય મહિલા નેતા હોત. ગૃહ વિભાગે  આની માહિતી આપતા કહ્યું કે માનનીય મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજે બપોરે સંબોધન કરવાનું હતું પણ આયોજકોએ અંતિમ સમયે કાર્યક્રમને સ્થગિત કરવાની અને ફરીથી નક્કી કરવાની માંગણી કરી હતી.

ટીએમસીનું કહેવું છે કે એવું સતત બની રહ્યું છે કે મમતા બેનર્જીને કોઇ કાર્યક્રમ માટે આમંત્રિત કરાયા હોય અને પછી કાર્યક્રમ રદ થઇ ગયો હોય. ૨૦૧૮માં પણ શિકાગોની વિવેકાનંદ વેદાંત સોસાયટી દ્વારા પ્રસ્તાવિત એક કાર્યક્રમમાં મમતાને આમંત્રિત કરાયા હતા. અને પછી આયોજકો એ કાર્યક્રમને રદ કરી નાખ્યો હતો.

(11:25 am IST)