Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ઉકેલની આશા સાથે ખેડૂતો- સરકાર વચ્ચે બેઠકનો પ્રારંભ

દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો આજે ૮મો દિવસઃ સરકાર થોડા ઘણા અંશે ઝુકવા તૈયારઃ એમએસપીમાં ખેડૂતોને લેખીત આશ્વાસન અને કાનૂનમાં ફેરફારો કરવા સરકાર તૈયારઃ ખેડૂતો સાથેની બેઠક પૂર્વે ગૃહમંત્રી શાહ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વચ્ચે બેઠકઃ ગઈકાલે રાત્રે સરકારમાં ઉચ્ચ કક્ષાએ બેઠકોના દૌર

નવી દિલ્હી, તા. ૩ :. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ૩ કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બપોરે ફરી એક વખત મંત્રણાનો પ્રારંભ થયો છે. ખેડૂતોના આંદોલનનો આજે ૮મો દિવસ છે. આ ખેડૂતો ત્રણેય કૃષિ કાનૂન પરત લેવાની માંગણી કરી રહ્યા છે ત્યારે એવી આશા વ્યકત કરવામાં આવે છે કે આ બેઠકમાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી જશે. આજે ખેડૂતો સાથેની બેઠક પૂર્વે ગૃહમંત્રી શાહ અને પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી.

મળતા અહેવાલો મુજબ સરકાર ખેડૂતોની માંગણીઓ પર થોડા ઘણા અંશે ઝુકવા તૈયાર છે. જેમાં એમએસપી પર લેખીત આશ્વાસન, ત્રણેય કાનૂનોમાં કેટલાક સંશોધન ઉપરાંત પ્રદુષણ ફેલાવવા પર ૧ કરોડના દંડ અને ૫ વર્ષની સજાની જોગવાઈને સમાપ્ત કરવાની બાબત સામેલ છે. પંજાબના મુખ્યમંત્રી નવા કાનૂન પર આજે ગૃહમંત્રી શાહને મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આ ગતિરોધનો કોઈ ઉકેલ શોધવા શાહ સાથે ચર્ચા કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે પંજાબના મુખ્યમંત્રી અને તેમનો પક્ષ ખેડૂતોને સમર્થન આપી રહ્યો છે. પંજાબ વિધાનસભાએ કેન્દ્રના નવા કૃષિ કાનૂનને નાબુદ કરતુ વિધેયક પણ પસાર કર્યુ છે.

આજે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક શરૂ થાય તે પૂર્વે મોડી રાત્રે શાહ, તોમર અને પિયુષ ગોયલ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં કૃષિ કાનૂનો સાથે જોડાયેલ ચિંતાઓને દૂર કરવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.

આજે કિસાન આંદોલનનો આઠમો દિવસ છે. મોટા પ્રમાણમાં ખેડૂતો દિલ્હીની સરહદોએ જામ કરીને બેઠા છે. તેઓએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગણીઓ રાખી છે. અગાઉ યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ હતી.

(10:49 am IST)