Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

નોઈડામાં ફિલ્મસિટી મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આમને સામને

મહારાષ્ટ્રનો ગરાસ લૂંટાવાનો મુખ્યમંત્રીને ડર : ફિલ્મ સિટી માટે રોકાણકારોની સાથે બેઠક કરવા યોગી આદિત્યનાથ મુંબઈમાં, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ખૂબ ખફા

મુંબઈ, તા. : ઉત્તર પ્રદેશના નોઈડામાં બનનારી નવી ફિલ્મ સિટીને લઈને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામ સામે આવી ગયા છે. યોગી આદિત્યનાથના મુંબઈ પ્રવાસે છે અને અહીં તેઓ ફિલ્મ સિટીમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ મુંબઈને માયાનગરીની ઓળખ અપાનવારી ફિલ્મ સિટીનો ગરાસ લુંટાવવાના ડરે ઉદ્ધવ ઠાકરે ભારોભાર નારાજ છે અને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે.

ઈન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં બોલતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર એક ચુંબકીય રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં મહારાષ્ટ્રનું આકર્ષણ આજે પણ કાયમ છે. રાજ્યમાંથી કોઈ ઉદ્યોગ બહાર જશે નહીં, પરંતુ અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓ પણ ઉદ્યોગો સ્થાપવા માટે મહારાષ્ટ્રમાં આવશે. રાજ્યના ઉદ્યોગો રાજ્યમાં રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ ધમકીભર્યા સ્વરમાં યોગી આદિત્યનાથને કહ્યું હતું કે, સ્પર્ધા રાખવી સારી બાબત છે, પરંતુ જો કોઈ રાડો પાડીને કે ધમકાવીને કંઈ લઈ જવા ઈચ્છે છે તો હું તેમ થવા નહીં દઉં. આજે પણ કેટલાક લોકો તમને મળવા આવશે અને કહેશે અમારી પાસે આવો. ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વગર કહ્યું હતું કે, જો તમારામાં તાકાત હોય તો અહીંના ઉદ્યોગોને બહાર લઈ જઈ બતાવો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈમાં છે. અહીં તેઓ જે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે તેની બહાર મરાઠીમાં પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં નોઈડામાં સૂચિત ફિલ્મ સિટીને નિશાન બનાવવામાં આવી હતી.

મનસેએ સીએમ યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમને ઠગ ગણાવ્યા. મનસેએ તેના પોસ્ટરમાં લખ્યું છે કે, દાદાસાહેબ ફાળકેએ બનાવેલું ફિલ્મ સિટીને યુપી લઈ જવાનું મુંગેરી લાલનું સપનું છે. પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી! ક્યાં મહારાષ્ટ્રનો વૈભવ અને ક્યાં યુપીની દરિદ્રતા! નિષ્ફળ રાજ્યની બેરોજગારી છુપાવવા માટે ઠગ મુંબઇના ઉદ્યોગોને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે આવ્યા છે.

સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીને અડીને ગ્રેટર નોઈડામાં ફિલ્મ સિટીના બનાવવા માટે જગ્યા પણ ફાળવી છે. હવે તે ફિલ્મ સિટી પ્રોડક્શનની બેઝિક્સ જાણવા મુંબઈ પહોંચી ગયા છે. ગઈ કાલે જ દિગ્ગજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને સિંગર કૈલાસ ખેરે યોગી આદિત્યનાથ સાથે બેઠક પણ કરી હતી.

(8:22 am IST)