Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાનું ફાયરિંગ:2 ભારતીય નાગરિકના મોત : 7 ઘાયલ

જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના અનેક બંકર ફૂંકી માર્યા

ફોટો punchh

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આજે પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાને ફરીથી સંઘર્ષ વિરામ નો ભંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં હતા . પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના શુક્રવાર સાંજથી પૂંછના કૃષ્ણાઘાટી, બાલાકોટ, શાહપુર, કિરણી, અને માલતી સેક્ટરોમાં સતત સંઘર્ષવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહી છે.

રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે અને તે જમ્મુના સરહદી વિસ્તારો રાજોરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ફાયરિંગની આડમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે.

પાકિસ્તાની સેનાના આવા ષડયંત્રોને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી કરાવવાના આવા જ એક કાવતરાને સેનાએ પૂંછ સેક્ટરની સામે પાક અધિકૃત કાશ્મીરના ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના અનેક બંકર ધ્વસ્ત કર્યાં જેમાં 2 પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

(8:50 pm IST)