Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

એર ઇન્ડિયા વેચાણ મુદ્દે ફોરેન કન્ટ્રોલ રૂલ હળવા થઇ શકે છે

હાલમાં ૪૯ ટકાથી વધુ હિસ્સેદારી પર બ્રેક છે : વિદેશી રોકાણકારોને વધુ હિસ્સેદારી ખરીદવા સરકારની બહાલીની જરૂર હોય છે : વેચાણને લઇને નવી વ્યૂહરચના

નવીદિલ્હી, તા. ૩ : એર ઇન્ડિયાને લઇને મુશ્કેલી અકબંધ દેખાઈ રહી છે. એર ઇન્ડિયાના વેચાણને લઇને સરકાર જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરી રહી છે. હાલમાં વિદેશી એરલાઈનોને સ્થાનિક કેરિયરમાં ૪૯ ટકા કરતા વધુ હિસ્સેદારી ખરીદવાથી રોકવામાં આવ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોને ૪૯ ટકા કરતા વધારે હિસ્સેદારી મેળવવા માટે સરકારની પરવાનગીની જરૂર હોય છે. આના ભાગરુપે સરકાર હવે એર ઇન્ડિયા વેચાણને પ્રોત્સાહન આપવા માટે ફોરેન કન્ટ્રોલના નિયમને હળવા કરવાની યોજના ધરાવે છે. આને લઇને અંતિમ વિચારણા ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન પણ બજેટમાં કેટલીક વાત કરી ચુક્યા છે. સરકાર દ્વારા સ્થાનિક એરલાઈન્સના વિદેશી નિયંત્રણને મંજુરી આપવા માટે નિયમોમાં સુધારા પર વિચારણા કરી રહી છે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા જાણકાર લોકો તરફથી આ અંગેની વાત કરવામાં આવી છે.

          આના પરિણામ સ્વરુપે નેશનલ કેરિયરને એક વિદેશી ખરીદદાર શોધી કાઢવામાં પણ મદદ મળશે. એરઇન્ડિયાના વેચાણને લઇને અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ હવે આ નવી હિલચાલ હાથ ધરવામાં આવી છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક મિટિંગ યોજાઈ હતી જેમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જો માલિકીને લઇને કોઇ નિર્ણય કરવામાં આવશે તો વધારે સારી રહે છે. નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, એરલાઈનના અંકુશની બાબત સંપૂર્ણપણે ભારતીય હાથોમાં રહેશે. આજ કારણસર વૈશ્વિક કંપનીઓ એર ઇન્ડિયા માટે બીડિંગ કરવાને લઇને પરેશાન દેખાઈ રહી છે. હવે સરકાર દ્વારા વિદેશી કન્ટ્રોલના નિયમોને વધુ હળવા કરવાની તૈયારી કરી છે.

        ડીપીઆઈઆઈપીને લખવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળી શક્યો નથી. બીજી બાજુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ અંગેના અહેવાલને કોઇ સમર્થન આપ્યું નથી. એર ઇન્ડિયા રોકડ કટોકટીના સકંજામાં છે. એર ઇન્ડિયાને બચાવી લેવા માટે અગાઉ પણ પ્રયાસો થઇ ચુક્યા છે. એર ઇન્ડિયાને લઇને સરકાર દ્વારા પણ અનેક વખત ખુલાસા કરવામાં આવ્યા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બીડરો માટે આઈઓએલ જારી કરવા માટેંની તૈયારી ચાલી રહી છે. ખાનગીકરણને લઇને પ્રશ્નો અનેક વખત ઉઠી ચુક્યા છે. એર ઇન્ડિયા ઉપર જંગી નાણાંકીય દેવું રહેલું છે.

(7:52 pm IST)