Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આનંદો...વાઘની સંખ્યામાં પણ વધારોઃ વનક્ષેત્ર પણ વિસ્તર્યુ

જાવડેકરે રાજયસભામાં માહિતી આપીઃ હાલ દેશમાં કુલ ૨૯૭૬ વાઘઃ છેલ્લા ચાર વર્ષમાં ૭૫૦નો વધારો

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય પ્રાણી વાઘનામ સંરક્ષણના પગલાઓની અસર જોવા મળી રહી છે. દેશમાં વાઘની સંખ્યામાં વધારો નોંધાયો છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે રાજયસભામાં માહિતી આપેલ કે વાઘોની સંખ્યામાં વધારો થયો છે.

જાવડેકરે જણાવેલ કે છેલ્લા ૪ વર્ષોમાં દેશમાં ૭૫૦ વાઘ વધ્યા છે. પ્રશ્નકાળ દરમિયાન તેમણે જણાવેલ કે દેશમાં વાઘની સંખ્યા વધીને ૨૯૭૬ થઈ છે. વન્યજીવોના વાયરસથી મોત અંગેના પ્રશ્નના પુરક પ્રશ્નના જવાબમાં  તેમણે જણાવેલ સિંહ, હાથી અને ગેંડા ભારતની વિશિષ્ટ સંપદા છે. જો કોઈ પ્રાણીની વાયરસના લીધે મોતનો મામલો અમારી સામે આવે છે તો તુરંત તેની તપાસ કરાય છે. પૂર્વોતર રાજયોમાં ઘટતા વનક્ષેત્ર અંગેના પ્રશ્નમાં જાવડેકરે જણાવેલ કે આ રાજયોમાં જુમ ખેતી થાય છે. આ વિશેષ પ્રકારની ખેતી હરિત વિસ્તાર ઘટવાનું કારણ હોય શકે છે. આ રાજયોમાં ૭૫ ટકાથી વધુ વનક્ષેત્ર યથાવત છે. જુમ ખેતીમાં મોટા વૃક્ષોને કાપી જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવેલ કે આવતા મહિને દેશમાં હરિત ક્ષેત્રના આંકડા જાહેર થશે. ૨૦૦૭ થી ૨૦૧૭ દરમિયાન દેશના વનક્ષેત્રમાં ૧૭,૩૭૪ વર્ગ કિમીનો વધારો થયેલ. દેશમાં કુલ ક્ષેત્રફળનો ૨૧.૫૪ ટકા ભાગ વન વિસ્તાર છે. જે ત્રણ રાજયોમાં વન સૌથી વધુ વિસ્તર્યા છે. તેમાં પશ્ચિમ બંગાળ પહેલા, આંધ્ર બીજા અને કેરળ ત્રીજા સ્થાને છે.

(3:38 pm IST)