Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હોલમાર્ક વગરનાં ઘરેણાં સસ્તાં થશે

જવેલર્સ હોલમાર્ક વગરના સ્ટોકને વેચી દેવા માટે શૂન્ય મેકિંગ ચાર્જની ઓફર પણ કરી શકે

નવી દિલ્હી, તા.૩: કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૧૧થી સોનાનાં તમામ આભૂષણો માટે હોલમાર્કિગ ફરજિયાત બનાવવાનો નિર્ણયથી આગામી એક વર્ષ માટે બજારમાં પરિવર્તન નકકી જણાય છે. બુલિયન ડીલર્સ અને જવેલર્સ કહે છે કે ફરજિયાત હોલમાર્કિગ વચ્ચેના તબક્કામાં જવેલર્સ તેમના સ્ટોકને વેચી દેવા માટે નોન-હોલામાકર્ડ આભૂષણોને વેચવાનો પ્રયાસ કરશે તથા કદાચ શૂન્ય ઘડામણ ચાર્જની ઓફર પણ કરી શકે.

તેઓ એમ નહીં કરે તો તેમણે હોલમાર્ક ન ધરાવતાં આભૂષણોને ફરજિયાતપણે ગાળવા પડશે અને હોલમાર્ક ધરાવતાં આભૂષણો બનાવવાં પડશે અને તેઓ જવેલરીનો મેકિંગ ચાર્જ પણ ગુમાવશે.

ઇન્ફિયા બુલિયન એન્ડ જવેલરી એસોસીએશનનાં નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, હવે જયારે ફરજીયાત હોલમાર્કિગનો એક વર્ષનો ટ્રાન્ઝિશન પિરિયડ  નજીક આવશે તેમ નોન-હોલમાકર્ડ આભૂષણો પરના ડિસ્કાઉન્ટમાં વધારો થતો જશે. તેને પરિણામે નોન-હોલમાર્ક આભૂષણો પર ભારે નુકસાન થશે.

નોન-હોલમાકર્ડ આભૂષણો મોટા ભાગે નાનાં શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે, જયાં ગ્રાહકો હોલમાર્કિગ તથા તેના લાભ અંગે પૂરેપૂરા સજાગ હોતા નથી.

નોંધનીય છે કે સરકાર આગામી વર્ષની ૧૫ જાન્યુઆરી સુધીમાં હોલમાર્કિગ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરશે જેમાં જવેલર્સને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં નોંધણી કરાવવા માટે તથા તેમની પાસેનો હાલનો નોન-હોલમાર્ક આભૂષણોનો સ્ટોક ખતમ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. બીઆઇએસ દ્વારા સોનાનાં આભૂષણોના ત્રણ ગ્રેડ-૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટ માટેનાં ધોરણો ઘડવામાં આવ્યાં છે.

હાલમાં દેશના આશરે ત્રણ લાખ જવેલસંમાંથી ફકત ૩૦,૦૦૦ જવેલર્સે બીઆઇએસ પાસેથી હોલમાર્ક આભૂષણો  વેચવા માટે લાઇસન્સ મેળવ્યું છે. ગોલ્ડ હોલમાર્કિગ એ ધાતુની શુદ્વતાનું પ્રમાણપત્ર છે અને તે હાલમાં જવેલર્સ માટે મરજીયાત છે.

ઇન્ડિયન એસોસીએશન ઓફ હોલમાર્કિગ સેન્ટર્સના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૯માં દેશમાં આશરે એક હજાર ટન સોનાનો વપરાશ થયો હતો તેમાંથી આશરે ૪૫૦ ટન સોનું હોલમાર્ક ધરાવતું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ આંકડો આગલા વર્ષની આસપાસ જ હશે.

અજમેરાએ જણાવ્યું હતું કે, 'દેશમાં ૮૬૦ બીઆઇએસ સર્ટિફાઇડ હોલમાર્કિગ સેન્ટર્સ આવેલાં છે જે દેશમાં વપરાશમાં લેવાતા ૧૦૦૦ ટન સોનાની સંભાળ લેવા માટે પૂરતા પ્રમાણમાં છે.'

તેમણે ઉમેર્યુ હતું કે, 'આમાંના દરેક કેન્દ્રની દરરોજની સોનાનાં ૨,૦૦૦ આભૂષણોની હોમમાર્કિગ કરવાની ક્ષમતા છે. એક હોલમાર્ક સેન્ટરને જાળવવાનો માસિક ખર્ચ રૂ.૨.૫ લાખથી ત્રણ લાખ છે.'

જો કે આઇબીજેએના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'દેશમાં હોલમાર્કિગની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ૮૬૦ કેન્દ્રો પૂરતાં છે પરંતુ બજારની જરૂરિયાતને સંતોષવા માટે તે પૂરતા પ્રમાણમાં ફેલાયેલાં નથી.'

ફરજિયાત હોલમાર્કિંગથી મેકિંગ ચાર્જનું નુકસાન

ફરજિયાત હોલમાર્કિગ વચ્ચેના તબક્કામાં જવેલર્સ તેમના સ્ટોકને વેચી દેવા માટે નોન-હોલમાકર્ડ આભૂષણોને વેચવાનો પ્રયાસ કરશે તથા કદાચ શૂન્ય ઘડામણ ચાર્જની ઓફર પણ કરી શકે.

ફરજિયાત હોલમાર્કિગનો એક વર્ષનો ટ્રાન્ઝિશન પિરિયડ નજીક આવશે તેમ નોન-હોલમાકર્ડ આભૂષણો પરના ડિસ્કાઉન્ટમાં વધારો થતો જશે. તેને પરિણામે નોન-હોલમાકર્ડ આભૂષણો પર ભારે નુકસાન થશે.

હાલમાં દેશના આશરે ત્રણ લાખ જવેલર્સમાંથી ફકત ૩૦,૦૦૦ જવેલર્સે બીઆઇએસ પાસેથી હોલમાર્ક આભૂષણો વેચવા માટે લાઇસન્સ મેળવ્યું છે.

(3:37 pm IST)