Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઇસરોના HySIS ઉપગ્રહને દેશમાં સૌથી પહેલા દેખાયું ગુજરાત :પ્રથમ તસ્વીરની ઝલક મોકલી

ગુજરાતના લખપત વિસ્તારના કેટલાક ભાગ જોવામળ્યા

બેંગલુરુઃ દેશના નવીન ભૂઅવલોકન ઉપગ્રહ હાઈસિસ (HySIS)એ 29 નવેમ્બરના રોજ પ્રક્ષેપિત કરાયા બાદ તેણે જે પ્રથમ ફોટો મોકલ્યો છે તેમાં ગુજરાતના લખપત વિસ્તારના કેટલાક ભાગ જોવા મળી રહ્યા છે. ઈસરોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય દૂર સંવેદી કેન્દ્ર (NRAC) પર હીઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ફોટાઓનો ઉપયોગ કૃષિ, જમીન સર્વેક્ષણ અને પર્યાવરણની દેખરેખ માટે કરવામાં આવશે. 

  ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, HySIS દ્વારા જે ફોટો પ્રાપ્ત થયો છે તે શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવે છે અને એજન્સી તેનાથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ PSLV C-43 રોકેટની મદદથી 31 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ હતા. 

   HySIS  ઉપગ્રહનું નિર્માણ અંતરિક્ષમાંથી પૃથ્વી પર દેખરેખ માટે ઈસરો દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે કરાયું છે. તેનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટીની સાથે ઈલેક્ટ્રોમેગ્નિટિક સ્પેક્ટ્રમમાં ઈન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઈન્ફ્રારેડ ફિલ્ડનું અધ્યયન કરવાનો છે. HySIS એક વિશેષ ચીપની મદદથી તૈયાર કરવામાં આવે છે જેને ટેક્નોલોજીની ભાષામાં ઓપ્ટિકલ ઈમેજિંગ ડિટેક્ટર એરે કહે છે. આ ઉપગ્રહથી ધરતીના ખૂણે ખૂણા પર નજર રાખવી સરળ બનશે, કારણ કે ધરતીથી લગભગ 630 કિમી દૂર અંતરિક્ષમાંથી પૃથ્વી પર હાજર વસ્તુઓના 55 વિભિન્ન રંગોની ઓળખ સરળતાથી થશે.

(12:01 am IST)