Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કાલે ઈન્કમટેક્ષ વસૂલવા ૭૦ કંપનીના શેર્સની હરરાજી

બે દાયકા પહેલા ઈન્કમટેકસના દરોડામાં ૩૫ લાખ ટેકસ ભરવાનો થતો હોય... આખરે શેર્સ હરરાજી થશે : ગુજરાતમાં પ્રથમ બનાવ : ટેકસ રિકવરી ઓફીસર ટી.એસ. ટીનવાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : ૧૦% ડિસ્કાઉન્ટમાં હરરાજી થશે

રાજકોટ, તા. ૩ : ભારત સરકાર દ્વારા કર વસૂલાત કરવા હવે આકરી કાર્યવાહી શરૂ થઈ રહી છે. કર વસૂલવાનો છેલ્લો રસ્તો હરરાજીનું શસ્ત્ર સરકારી તંત્ર અજમાવી રહ્યું છે. અગાઉ રાજકોટ ઈન્કમટેક્ષ વર્તુળ દ્વારા સોનાના દાગીનાની હરરાજી કરીને ટેકસ વસૂલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આવતીકાલે ૩૫ લાખનો કર વસૂલવા ૭૦ કંપનીના શેર્સની હરરાજી થશે.

રાજકોટ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ટેકસ રીકવરી ઓફીસર શ્રી ટી. એસ. ટીનવાલાના માર્ગદર્શન હેઠળ તા.૪ ડિસે. સવારે ૧૧ કલાકે ઈન્કમટેક્ષના આયકર વિભાગ કોન્ફરન્સ હોલ, ૭માં માળે, રેસકોર્ષ રીંગ રોડ ખાતે બીએસઈ અને એનએસઈ લિસ્ટેડ  ૭૦ કંપનીના શેર્સની હરરાજી યોજાવાની છે. આવતીકાલે હરરાજી થનાર શેર્સના માલિકની પેઢી ઉપર ૨૦ વર્ષ પૂર્વે ઈન્કમટેક્ષના દરોડા પડ્યા હતા. જેમાં ૩૫ લાખનંુ ડિસ્કલોઝર બહાર આવ્યુ હતું. પેઢી દ્વારા કરપાત્ર રકમની ચૂકવણી ન થતાં આખરે ૭૦ કંપનીના શેર્સની જાહેર હરરાજી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કર વસૂલવા આવતીકાલે જે શેર્સની હરરાજી થવાની છે તેની માર્કેટના ભાવ ગણી તેમાં ૧૦% ડિસ્કાઉન્ટ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કર વસૂલવામાં સમગ્ર ગુજરાત રાજયમાં બીએસઈ અને એનએસઈ લિસ્ટેડ શેરની હરરાજીની આ સૌપ્રથમ ઘટના રાજકોટ ખાતે આકાર પામશે.

શેર્સની હરરાજીમાં રાજકોટ આયકર ટેકસ રિકવરી ઓફીસર શ્રી ટી. એસ. ટીનવાલાએ જણાવ્યુ હતું કે, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત, વડોદરાથી પાર્ટી હરરાજીમાં આવનાર છે. દરરોજ ૭થી ૮ ઈન્કવાયરી થઈ રહી છે. હરરાજીમાં કોઈપણ વ્યકિત કોઈપણ જાતની ડિપોઝીટ વગર ભાગ લઈ શકશે.

(3:42 pm IST)