Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું વિદેશોમાં લિલામ થઈ રહ્યું છે

આઝાદી પછી દેશની ૫૦ હજાર બહુમૂલ્ય કલાકૃતિઓ વિદેશ પગ કરી ગઈ

નવીદિલ્હીઃ ભારતમાં હજારો વર્ષો પહેલાં એક અત્યંત સુશિક્ષિત અને વિકસિત સભ્યતા અસ્તિત્વમાં હતી, તેની સાબિતી આપણા પ્રાચીન શિલ્પસ્થાપત્ય ઉપરથી મળે છે. રાજસ્થાનમાં આવેલું રાણકપુરનું જૈન મંદિર હોય કે તામિલનાડુમાં આવેલું મીનાક્ષી મંદિર આપણી સાંસ્કૃતિક વીરાસતો છે. ઇલોરાની ગુફાઓ અને અજંતાના ભીંતચિત્રો એ વાતની ગવાહી પૂરે છે કે હજારો વર્ષો પહેલાં પણ ભારત કલા શિક્ષણની બાબતમાં વિશ્વમાં ટોચ ઉપર હતું. ભારતની સૌથી મોટી મૂડી જેવા આ વારસાના જતન માટે આપણી સરકાર તદ્દન બેદરકાર હોવાથી દર વર્ષે હજારો પ્રાચીન કલાકૃતિઓ દાણચોરી દ્વારા વિદેશમાં પગ કરી જાય છે અને સોથબી જેવી કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય લિલામમાં વેચાઇ જાય છે.

યુનેસ્કોના અંદાજ મુજબ ભારતને આઝાદી મળી ત્યાર બાદ ઓછામાં ઓછી ૫૦,૦૦૦ મૂલ્યવાન પ્રાચીન કલાકૃતિઓ વિદેશમાં પગ કરી ગઇ છે. ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્ટિગ્રિટી ગ્રુપના અંદાજ મુજબ કલાકૃતિઓની દાણચોરી કરીને આંતરરાષ્ટ્રીય માફિયાઓ વાર્ષિક ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે. દાખલા તરીકે મધ્ય પ્રદેશનાં મંદિરમાંથી ચોરાયેલી વાળુની બનેલી પ્રાચીન મૂર્તિ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦ કરોડ રૂપિયામાં વેચાઇ હતી. ભારતમાંથી મૂર્તિઓ ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, ચિત્રો, નકશાઓ તેમ જ કોતરણીયુકત શિલ્પોની પણ દાણચોરી થાય છે. પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી દેશની સુરક્ષા માટે પણ જોખમી છે, કારણ કે દાણચોરી દ્વારા જે આવક થાય છે તેમાંથી શસ્ત્રો ખરીદવામાં આવે છે અને ત્રાસવાદને ઉત્તેજન આપવા માટે વાપરવામાં આવે છે.

સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિએ ચિંતા વ્યકત કરી હતી કે ઇસ્લામિક સ્ટેટ નામનું આતંકવાદી જૂથ સીરિયાની પ્રાચીન કલાકૃતિઓ વેચીને તેમાંથી મળતા ડોલરનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરે છે. ત્યાર બાદ સુરક્ષા સમિતિએ ૨૧૯૯ નંબરનો ઠરાવ મંજૂર કર્યો હતો, જેમાં કલાકૃતિઓની દાણચોરીને આતંકવાદને ભંડોળ પૂરૃં પાડતાં સાધન તરીકે જોવામાં આવી હતી. અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઇ દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી હતી કે પ્રાચીન કલાકૃતિના ખરીદ-વેચાણ માટે આતંકવાદના કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે. ઇન્ટરપોલે દાણચોરીમાં વેચાયેલી ૫૦,૦૦૦ કલાકૃતિઓની યાદી તૈયાર કરી છે, જેમાં ભારતની કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે. કમનસીબે ભારત સરકાર આ બાબતમાં તદ્દન ઉદાસીન છે. ભારતમાંથી થતી કલાકૃતિઓની દાણચોરી રોકવા સરકાર દ્વારા કોઇ ગંભીર પગલાં લેવામાં આવતાં નથી. વિદેશમાં ભારતની કોઇ કલાકૃતિ લિલામમાં વેચાઇ જતી હોય તો તેને પાછી લાવવા માટે પણ સરકાર કોઇ પગલાં ભરતી નથી. (આદર્શ ભારત નેટવર્ક દ્વારા)

(3:30 pm IST)