Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પાક.ને ભારતની લપડાકઃ કસ્ટમ્સ કોન્ફરન્સ માટે આમંત્રણ નહિ

દિલ્હીમાં આવતીકાલથી ૨૧ દેશોના કસ્ટમ્સ વડાઓ મળશેઃ એક માત્ર પાકિસ્તાનને કરાયુ નજરઅંદાજઃ નાર્કો-આતંકવાદ, હવાલા અને સોનાની દાણચોરી જેવા અપરાધો પર સિકંજો કસવા ઘડાશે રણનીતિ

નવી દિલ્હી, તા. ૩ :. ભારતે પાકિસ્તાનને ફરી એક વખત તેનુ સ્થાન બતાવી દીધુ છે અને તેને એકલુઅટલુ પાડી દીધુ છે. જ્યાં સુધી પાકિસ્તાન સુધરશે નહિ ત્યાં સુધી ભારત તેની તરફ દોસ્તીનો હાથ નહિ લંબાવે. આવતીકાલથી બે દિવસની એક મીટીંગ શરૂ થઈ રહી છે. જેમા ૨૧ દેશોના કસ્ટમ્સ વિભાગના વડાઓ નાર્કો-આતંકવાદ, હવાલા અને સોનાની દાણચોરી જેવા ગુન્હાઓ ઉપર સિકંજો કસવા માટે એક સમાન રણનીતિ તૈયાર કરવાના છે. ભારતે આ મીટીંગ માટે પાકિસ્તાનને આમંત્રણ નથી આપ્યું.

ડીઆરઆઈના વડા અધિકારી પોતાના ૬૧માં ફાઉન્ડેશન ડે ઉત્સવ સાથે આ મીટીંગનું આયોજન કરશે. જેમાં દક્ષિણ, દક્ષિણ-પૂર્વ એશીયા, પશ્ચિમના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ચર્ચા કરશે. આ ચર્ચામા ઈન્ટરપોલના પ્રતિનિધિ, યુનો ઓફિસ ફોર ધ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અને ધ વર્લ્ડ કસ્ટમ્સ જેવી સંસ્થાઓ પણ સામેલ થશે.

એવી આશા રાખવામાં આવે છે કે, આ બે દિવસની મીટીંગમાં ભારત દાણચોરીના હાલના એવા મામલાઓ ઉઠાવશે જેમાં ડીઆરઆઈએ જમ્મુ કાશ્મીરના અખનુર સેકટરમાં હથીયારો અને ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો તેવી બાબતો સમાવાશે. આ મીટીંગમાં ભારત પોતાની ચિંતાઓથી અવગત કરશે. ભારત એવા દેશો સાથે ખુદને અલગ રાખવા ઈચ્છે છે જે નાર્કો-આતંકવાદને સંગઠીત રાજ્ય સંરક્ષણ પ્રદાન કરે છે.

આવુ પહેલીવાર બને છે કે જ્યારે ભારતે ૨૧ દેશોના કસ્ટમ્સના વડાઓને પોતાને ત્યાં બોલાવ્યા હોય અને તેઓની સાથે સંયુકત રણનીતિ બનાવી હોય. આ મીટીંગથી પાકિસ્તાનને બહાર રાખવામાં આવ્યુ છે. પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં હેરોઈનની દાણચોરી કરાય છે. આ સિવાય ડીઆરઆઈએ ગયા વર્ષે ૯૭૦ કરોડનું સોનુ ઝડપી લીધુ હતું.(૨-૩)

(9:54 am IST)