Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અબુધાબીમાં T-20 વિશ્‍વ કપમાં ભારતની પ્રથમ જીત : અફઘાનિસતાનને ૬૬ રને હરાવ્‍યું

મુંબઇ : અબુધાબીમાં ટી20 વિશ્વકપ 2021 માં ભારતે તેની પ્રથમ જીત નોંધાવી હતી. ભારતીય ચાહકોને ટૂર્નામેન્ટ શરુ થયા બાદ પ્રથમ વખત રાહત રુપ સમાચાર મળ્યા છે. ભારતે અફઘાનિસ્તાન સામે 66 રને મોટી જીત મેળવી છે. આ સાથે જ ભારતની રન રેટમાં પણ સુધારો થયો છે. વિરાટ કોહલી એ આજે ફરી એકવાર ટોસ હાર્યો હતો. જેને લઇ અફઘાન કેપ્ટન મોહમ્મદ નબી એ ભારતને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરવા નિમંત્રણ આપ્યુ હતુ.

ભારતીય ટીમના મોટા સ્કોર સામે જવાબમાં મેદાને રન ચેઝ કરવા માટે ઉતરેલી અફઉઘાન ટીમની શરુઆત ખરાબ રહી હતી. 13 રનના સ્કોર પર જ તેણે તેના બંને ઓપનરોને ગુમાવી દીધા હતા. ભારતે અશ્વિનને આજે તક આપી હતી અને તેણે પોતાના અનુભવનો પરચો મેચમાં દેખાડી દીધો હતો. તેણે 2 મહત્વની વિકેટ ઝડપીને હરીફ ટીમની મુશ્કેલીઓને વધારી દીધી હતી.

ભારતીય ઓપનરોએ આજે જબરદસ્ત રમત દર્શાવી હતી. બંને એ 140 રનની વિશાળ ભાગીદારી ભરી રમત રમી હતી. બંને એ 15 મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર દોઢસોની નજીક લાવી દીધો હતો. રોહિત શર્માએ 47 બોલમાં 74 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. તે કરીમ જનતનો શિકાર બન્યો હતો. જ્યારે કેએલ રાહુલે 48 બોલમાં 69 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઓપનરો બાદ બાકીનુ કામ રિષભ પંત અને હાર્દિક પંડ્યાની જોડીએ પુરુ કર્યુ હતુ. બંનેએ અણનમ તોફાની રમત રમી હતી. હાર્દિકે 13 બોલમાં 35 રન ફટકાર્યા હતા. જ્યારે પંતે 13 બોલમાં 27 રન ફટકારી દીધા હતા. તે બંનેના 26 બોલની રમતમાં જ ભારતનુ સ્કોર બોર્ડ રોકેટ ગતીએ ફર્યુ હતુ. તેમણે 62 રન સંયુક્ત રીતે ફટકાર્યા હતા.

બુમરાહ અને શામીએ અફઘાન જોડીને જલદી થી પેવેલિયન પરત મોકલી દીધી હતી. હઝરતુલ્લાહ જાજાઇ (13) બુમરાહનો અને મોહમ્મદ શહઝાદ (0) શામીનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ અફઘાનની ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. ગુરબાઝે 19 અને ગુલબદ્દીન નાયબે 18 રન રન કર્યા હતા. ઝદરાને 11 રન કર્યા હતા.

જોકે કેપ્ટન મોહમ્મદ નબી (35) અને કરીમ જનતે (42) તેમનો પ્રયાસ સન્માનજનક સ્કોર પર પહોંચવા માટે કર્યો હતો. જોકે તેમની રમત ટીમને જીતની નજીક લઇ જવા માટે પણ મુશ્કેલ હતી. કારણ કે ભારતીય ટીમનો પડકાર વિશાળ હતો, જેને અધવચ્ચે આવ્યા બાદ પહોંચવુ મુશ્કેલ હતુ તે સ્વભાવિક છે. અઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 144 રન કર્યા હતા.

(12:24 am IST)