Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

આર્યનની ધરપકડ રોકવા પૂજાએ મોટી રકમ ઓફર કરી હતી

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં વધુ એક ખુલાસો : શાહરૂખના પુત્રએ જેલમાં જવું પડતાં આ રકમ પાછી દેવાઈ હોવાનો કેસના સાક્ષી સેમ ડિસૂઝાનો દાવો

મુંબઈ, તા.૩ : બોલિવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન તો મળી ગયા છે, પણ કેસને લગતી ચોંકાવનારી વિગતો સામે આવતી રહે છે. આ કેસ એનસીબી માટે પણ સરળ નહોતો. એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર પણ ઘણાં આરોપ મૂકાયા છે. આ કેસમાં એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે કેસના એક સાક્ષી પ્રભાકર સેલે અનેક મોટા ખુલાસા કર્યા. પ્રભાકર સેલએ પોતાના એફિડેવિટમાં સેમ ડિસૂઝા નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો.

તાજેતરમાં જ સેમ ડિસૂઝાએ એક ટીવી ચેનલને ઈન્ટર્વ્યુ આપ્યો હતો. આ વાતચીત દરમિયાન તેણે દાવો કર્યો હતો કે, શાહરુખની મેનેજર પૂજા દદલાણીએ આર્યન ખાનની ધરપકડને રોકવા માટે મોટી રકમ ઓફર કરી હતી. સેમ ડિસૂઝાનો દાવો છે કે, પૂજા દદલાણીએ આ મસમોટી રકમ ઓફર કરી તો વિચાર્યું હતું કે તે આર્યનને બચાવી લેશે, પરંતુ તેને જેલમાં જવુ પડ્યું અને રકમ પાછી કરી દેવામાં આવી હતી. સેમ ડિસૂઝા વ્યવસાયે બિઝનસમેન છે.

સેમનો દાવો છે કે, પૂજાએ કેસના સાક્ષી કેપી ગોસાવીને ૫૦ લાખ રુપિયા આપ્યા હતા. પરંતુ જ્યારે તેમને જાણ થઈ કે ગોસાવી ઠગ વ્યક્તિ છે, તો તેમણે આ રકમ પૂજાને પાછી આપી દીધી.ઉલ્લેખનીય છે કે પ્રભાકર સેલે પોતાના એફિડેવિટમાં કહ્યું છે કે, ૩ ઓક્ટોબરની સવારે કેપી ગોસાવી, પૂજા દદલાણી અને સેમ ડિસૂઝાની મુલાકાત થઈ હતી. એક વ્યક્તિ કારમાં આવ્યો અને પ્રભાકર સેલને બે બેગ આપી હતી, જે સેમ ડિસૂઝા પાસે ટ્રાઈડન્ટ હોટલમાં લઈ જવામાં આવી. ત્યારપછી સેમ ડિસૂઝાએ તે બેગના પૈસા ગણ્યા તો માત્ર ૩૮ લાખ રુપિયા જ હતા. પ્રભાકરે દાવો કર્યો છે કે, તેણે ગોસાવીની વાતચીત સાંભળી હતી, જેમાં તેણે ૨૫ કરોડ રુપિયા માંગ્યા હતા, તેમાંથી ૮ કરોડ રુપિયા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાના હતા.સેમ ડિસૂઝાએ ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ અને ઘણી મહેનત પછી અમે ગોસાવી પાસેથી ૩૮ લાખ રુપિયા મેળવ્યા હતા. બાકીની રકમ અમે લોકોએ એકઠી કરી અને પૂજા દદલાણીને પૈસા પાછા આપી દીધી, કારણકે અમને ખબર પડી ગઈ હતી કે કેપી ગોસાવી એક ઠગ માણસ છે.

(7:59 pm IST)