Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ધનતેરસે બજાર ઉપર ૭૫૦૦૦ કરોડની ધનવર્ષા

કોરોના મહામારીથી લકવાગ્રસ્ત બજારને ધનતેરસે આપ્યો બુસ્ટર ડોઝ : સોના - ચાંદી - વાહનો - ઇલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ - જમીન - મકાન - કપડા - વાસણ સહિતનું ધૂમ વેચાણ : ધનતેરસે ૧૫ ટન સોનું વેચાયું : ૭૫૦૦ કરોડના સોના - ચાંદીના ઘરેણા - સિક્કા - મૂર્તિનું વેચાણ : મકાનોના બુકિંગમાં ૩૫ ટકાનો ઉછાળો

નવી દિલ્હી તા. ૩ : કોરોના મહામારી પછી સુસ્ત પડી રહેલ બજારને ધનતેરસે મોટો બુસ્ટર ડોઝ આપ્યો છે. સોના - ચાંદી, કન્ઝયુમર પ્રોડકટસ વાસણ, કપડા અને ગાડીઓની માંગમાં વધારો જોવા મળ્યો છે. ધરખમ વેચાણ થયું છે.

વ્યાપારિક સંગઠન કેટ અનુસાર, ધનતેરસના દિવસે દેશભરના રીટેઇલ બજારોમાં લગભગ ૭૫૦૦૦ કરોડ રૂપિયાનો બીઝનેસ થયો. તેમાં સોની બજારનું યોગદાન ફકત ૭૫૦૦ કરોડનું રહ્યું છે. લગભગ ૧૫ ટન સોનાના દાગીનાઓનું વેચાણ થયું. જેમાં દિલ્હીમાં ૧૦૦૦ કરોડ, મહારાષ્ટ્રમાં ૧૫૦૦ કરોડ, યુપીમાં ૬૦૦ કરોડ રૂપિયાનું અંદાજીત વેચાણ સામેલ છે. તો દક્ષિણ ભારતમાં લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાના વેચાણનો અંદાજ છે.

દિવાળી પહેલા બજારોમાં ધનતેરસની સકારાત્મક શરૂઆત થઇ અને ખોવાયેલ ચમક પાછી મેળવતા સોનાના દાગીના અને સિક્કાઓનું વેચાણ કોરોના પહેલાના સ્તરે પહોંચવા તરફ છે. મહામારીની ઘટતી ચિંતાઓ અને માંગમાં તેજી સાથે ગ્રાહકોની ભીડ સોનાની ખરીદી માટે દુકાનો તરફ વળી રહી છે.

ઘરેણાંની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી જેનાથી ઓફલાઇન ખરીદી ફરીથી વધી હોવાનું જાણી શકાય છે. એક વર્ષ પહેલી સરખામણીમાં દુકાને જઇને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે, ધનતેરસના દિવસે ૨૦ થી ૩૦ ટન સોનું વેચાતું હોય છે અને આ વર્ષે તેની માત્રા થોડી વધારે રહેવાની આશા છે.

તો બીજી તરફ રીયાલીટી કંપની અંતરિક્ષ ઇન્ડીયાના સીએમડી રાકેશ યાદવે જણાવ્યું કે, ધનતેરસના દિવસે ઘરોના બુકીંગમાં લગભગ ૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યા. ખરીદનારાઓની પહેલી પસંદ મોટી સાઇઝના ઘર બની રહ્યા છે.

બીજી તરફ ચિપની અછતે ઓટો સેકટરની દિવાળી બગાડી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસીએશન (ફાડા)ના પ્રમુખ વિંકેશ ગુલાટીએ જણાવ્યું કે, ચિપ સંકટે ઓટો સેકટરની ધનતેરસને ફીક્કી કરી નાખી છે. એસયુવી, કોમ્પેકટ એસયુવી અને લકઝરી સેગમેન્ટની ગાડીઓના વેચાણને અસર થઇ છે.

(10:20 am IST)