Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ગૃહ રાજયમાં ભાજપ સાફ : પેટાચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં ચાર બેઠકો

હિમાચલ પ્રદેશના પરિણામો પણ ભાજપ માટે ચિંતાજનક છે કારણ કે પક્ષના વડા જેપી નડ્ડા જ નહીં પરંતુ કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર પણ હિમાચલથી આવે છે

 

નવી દિલ્હી, તા.૩: લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જોકે, આ પરિણામો ભાજપ માટે બહુ પ્રોત્સાહક નહોતા. બંગાળમાં ટીએમસી દ્વારા ફરીથી પરાજય થવા ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ભાજપે તમામ બેઠકો ગુમાવી છે. આ હાર પાર્ટી માટે પણ નિરાશાજનક છે કારણ કે હિમાચલ પ્રદેશ બીજેપી ચીફ જગત પ્રકાશ નડ્ડાનું હોમ સ્ટેટ છે અને અહીં પણ ભાજપની સરકાર છે. આમ છતાં પાર્ટીને મંડી લોકસભા સીટ અને ત્રણ વિધાનસભા સીટો પર કોંગ્રેસે પરાજય આપ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે મંડી લોકસભા સીટ પર બીજેપીને હરાવ્યું. પ્રતિભા સિંહે તેમના બીજેપી પ્રતિસ્પર્ધી કુશલ ઠાકુરને ૮ હજાર ૭૬૬ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે, આ બેઠક ભાજપ માટે વધુ મહત્વ ધરાવે છે કારણ કે વર્તમાન સીએમ જયરામ ઠાકુર આ પ્રદેશના છે. તેમનો મતવિસ્તાર સિરાજ પણ મંડી જિલ્લામાં આવે છે.

માત્ર સંસદીય બેઠક પર જ નહીં પરંતુ ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પણ ભાજપ નિશાન સાધવામાં નિષ્ફળ રહ્યું હતું. અરકી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય અવસ્થીએ ભાજપના ઉમેદવાર રતન સિંહ પાલને ૩,૦૦૦ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ઉમેદવારને ફતેહપુર બેઠક ૫ હજાર ૬૩૪ મતોના માર્જિનથી મળી છે. અહીં મહત્વની વાત એ હતી કે અપક્ષ ઉમેદવારને પણ ૧૨ હજાર મત મળ્યા હતા. ભાજપ માટે સૌથી મોટી ચિંતાના સંકેતો જુબ્બલ-કોથકાઈ પ્રદેશમાંથી આવ્યા હતા જયાં તેના ઉમેદવારને માત્ર ૨ હજાર ૬૪૪ મત મળ્યા હતા અને ડીપોઝીટ પણ જપ્ત થઈ ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુરે અપક્ષ ઉમેદવાર ચેતન બ્રગટાને ૬ હજાર ૨૯૩ મતોથી હરાવ્યા હતા. આ સીટ પર ભાજપનો વોટ શેર માત્ર ૪.૬૭ ટકા હતો.

રાજયની પેટાચૂંટણીઓ પણ કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવી છે કારણ કે અહીં પાર્ટીનો વોટ શેર વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં ધર્મશાલા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર ભાજપના ઉમેદવારનો જ વિજય થયો હતો, પરંતુ હવે ચાર બેઠકો પરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપ કરતાં ૨૦ ટકા વધુ મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ વિધાનસભા બેઠકો પર ૪૮.૯ ટકા વોટ શેર મળ્યા હતા, જયારે ભાજપને માત્ર ૨૮.૧ ટકા વોટ શેર મળ્યા હતા.

(10:20 am IST)