Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પડતર ખર્ચ વધતાં સ્ટીલના ભાવમાં ટને રૂ. ૩૫૦૦ સુધીનો વધારો

ભાવવધારા છતા સ્ટીલની માંગ કે ઉત્પાદન ઘટવાની સંભાવના નથી

નવી દિલ્હી, તા.૩: કોલસાના ભાવવધારાથી પડતર મોંદ્યા થતાં અગ્રણી સ્ટીલ કંપનીઓએ હોટ રોલ્ડ કોઇલના ભાવમાં ટન દીઠ રૂ. ૩૫૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે.

'ઉદ્યોગનું આ પગલું અપેક્ષિત હતું. ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયો છે. અમારો બળતણનો ખર્ચ ૭૦ ટકા વધી ગયો છે જયારે ખનિજ લોખંડના ભાવમાં થયેલો વધારો નજીવો છે, 'એમ અને સ્ટીલ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

આ ભાવવધારો સોમવારથી અમલમાં આવ્યો છે. એચઆરસીના ભાવ ટન દીઠ રૂ. ૭૨,૫૦૦ જેવા બોલાય છે.

જેએસડબ્લ્યુ સ્ટીલ, આર્સેલર મિત્ત્।લ નિપ્પોન સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે તેમના સ્ટીલના ભાવ ટન દીઠ રૂ. ૩૦૦૦-૩૫૦૦ જેટલા વધાર્યા છે. અન્ય સ્ટીલ ઉત્પાદકો ટૂંક સમયમાં ભાવ વધારે તેવો સંભવ છે.

જેએસડબ્લ્યુ સ્ટીલના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર શેષગિરિ રાવે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પરિણામો જાહેર કરતાં કહ્યું હતું કે કંપની સ્ટીલના ભાવ પર એનર્જી સરચાર્જ નાખવાનું વિચારી રહી છે. કોકિંગ કોલસાના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી સ્ટીલના ભાવ વધતા રહેશે.

અન્ય સ્ટીલ કંપનીના અધિકારીએ કહ્યું કે વિશ્વની સ્ટીલ મિલોના ઉત્પાદન ખર્ચમાં ટન દીઠ ૨૦૦-૨૫૦ ડોલરનો વધારો થયો છે.'અમે ઉત્પાદન ખર્ચનો અડધો વધારો પણ ગ્રાહકો પર સરકાવીએ તો સ્ટીલના ભાવમાં ટન દીઠ ૧૦૦-૧૫૦ ડોલરનો વધારો કરવો પડે,' એમ તે અધિકારીએ જણાવ્યું હતું.

કોકિંગ કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવ ઐતિહાસિક ઉંચાઈએ ચાલે છે. ઊંચી જાતના ઓસ્ટ્રેલિયન કોકિંગ કોલસાના ભાવ એપ્રિલમાં ટન દીઠ ૧૧૦-૧૨૦ ડોલર હતા. તે હાલ ૪૩૦ ડોલર થઈ ગયા છે. ભારતમાં કોલ ઇન્ડિયાએ કોલસાના પુરવઠામાં વીજળી મથકોને અગ્રીમતા આપવાનું નક્કી કરતાં સ્ટીલ કંપનીઓને પુરવઠાની ખેંચનો સામનો કરવો પડે છે.

ખનિજ લોખંડના ભાવ ત્રણેક મહિનાથી દ્યટતા જતા હતા. પરંતુ હમણાંથી તે પાછા વધવા માંડયા છે. ઓરિસ્સાના ૬૩ ટકા લોહતત્ત્વ ધરાવતાં કાચા લોખંડના ભાવ એક મહિનામાં ૨૦ ટકા વધીને રૂ. ૭૦૦૦ પ્રતિ ટન થઈ ગયા છે.

ભાવવધારા છતાં સ્ટીલના માગ કે ઉત્પાદન ઘટવાની સંભાવના નથી. બાંધકામ, મશીનરી અને વાહન ઉદ્યોગની માગ આગામી મહિનાઓમાં વધવાની ધારણા છે.

(9:52 am IST)