Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ કહ્યું-કોંગ્રેસની દરેક જીત એ પાર્ટી કાર્યકર્તાની જીત. નફરત સામે લડતા રહો.ડરશો નહીં!

હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપને મોટો ફટકો આપતા કોંગ્રેસે તમામ ત્રણ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક જીતી

નવી દિલ્હી :  હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપને મોટો ફટકો આપતા, કોંગ્રેસે તમામ ત્રણ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક જીતી લીધી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ લોકસભા સીટો અને 29 વિધાનસભા સીટોના ચૂંટણી પરિણામોની જાહેરાત કર્યા બાદ કહ્યું કે કોંગ્રેસની દરેક જીત એ આપણા પાર્ટી કાર્યકર્તાની જીત છે. નફરત સામે લડતા રહો. ડરશો નહીં!

હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને જબરદસ્ત સફળતા મળી છે. રાજસ્થાનમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસે રાજ્યની ધારિયાવાડ અને વલ્લભનગર બંને બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે પેટાચૂંટણીમાં એક બેઠક પર પોતાની પકડ જાળવી રાખી છે, જ્યારે એક બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. આવતા મહિને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહેલી અશોક ગેહલોત સરકાર માટે આ એક મોટી જીત માનવામાં આવી રહી છે અને મુખ્યમંત્રી ગેહલોતે આને લોકો દ્વારા રાજ્ય સરકારની સુશાસનની મહોર ગણાવી છે.

 

બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપને મોટો ઝટકો આપતા વિપક્ષ કોંગ્રેસે ત્રણેય વિધાનસભા બેઠકો ફતેહપુર, અરકી અને જુબલ-કોટખાઈ અને મંડી લોકસભા બેઠકો જીતી લીધી છે. ચારેય બેઠકોની પેટાચૂંટણી માટે 30 ઓક્ટોબરે મતદાન થયું હતું.

ચૂંટણી પંચ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસે તેની ફતેહપુર અને અરકી બેઠક જાળવી રાખી છે, જ્યારે જુબલ-કોટખાઈ બેઠક ભાજપ પાસેથી છીનવી લેવામાં આવી છે.

દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠકો શિવસેનાએ જીતી છે અને ખંડવા બેઠક પર ભાજપે જીત મેળવી છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણીમાં, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળના મતદારો રાજ્યના શાસક પક્ષ અથવા ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

આસામની પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક બેઠક માટે વિધાનસભાની પેટાચૂંટણી છે. મતદાન થયું.

(12:46 am IST)