Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બહેરાઈચ જિલ્લામાં બે સમુદાય વચ્ચે તંગદિલી ભડકી : ર૦૦ની ધરપકડ:સેંકડો લોકોની હિજરત

દેવી દુર્ગાના પ્રતિમા વિસર્જન વેળાએ બે સમુદાય વચ્ચે ઝઘડો બાદ કેટલાક લોકોની અટકાયતથી મામલો બિચક્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં કૈર ગામમાંથી ર૦૦ લોકોની પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાયત ધારા (યુએપીએ) અન્વયે ધરપકડ કરતાં બે સમુદાય વચ્ચે તંગદિલી ભડકી ઊઠી છે.પોલીસના જણાવ્યા મુજબ ર૦૦ લોકોને ર૦ ઓકટોબરના રોજ થયેલ ઝઘડાના અનુસંધાનમાં ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બહેરાઇચના કૈર ગામમાંથી પોલીસ ધરપકડના ડરથી સેંકડોની સંખ્યામાં એક ચોક્કસ સમુદાયના લોકો અને યુવાનો ગામમાંથી હિજરત કરી ગયા હતા.

   ગ્રામજનોનો આરોપ છે કે પોલીસે એક સમુદાયના લોકોની ધરપકડ કરી છે. તેમનું કહેવું છે કે ર૦ ઓકટોબરની ઘટનામાં દેવી દુર્ગાના પ્રતિમા વિસર્જન દરમિયાન બે સમુદાય વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસે માત્ર એક સમુદાયના લોકોની ધરપકડ કરતાં અમે કેસમાં ખરાબ રીતે ફસાઇ ગયા છીએ.

  પોલીસની કાર્યવાહી બાદ ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભય વ્યાપી ગયો છે. એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રવિ ચંદ્રાસિંહે એવું જણાવ્યું હતું કે પોલીસે ઓછામાં ઓછા પ૦ લોકોની ધરપકડ કરી છે. કેસમાં તપાસ માટે એક ટીમની રચના પણ કરવામાં આવી છે. અમારી પાસે પુરાવા તરીકે કેટલાક વીડિયો પણ ઉપલબ્ધ છે

(2:44 pm IST)